<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

મહિસાગરના વીરપુર નજીક સાલૈયા ગામ પાસે કારમાં અચાનક આગ લાગી: પિતા-પુત્રનો આબાદ બચાવ

કારમાં અચાનક આગ લાગતા પિતાએ સમયસૂચકતા દાખવી 2 વર્ષના બાળક સાથે બહાર નીકળી આબાદ બચાવ કર્યો.

 

મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સાલૈયા ગામ નજીક એક હૃદયધબકાવતી ઘટના સામે આવી છે. સાલૈયા નજીકથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક જ શંકાસ્પદ સંજોગોમાં આગ ફાટી નીકળી હતી. બનાવ સમયે કારમાં એક વ્યક્તિ તેમના 2 વર્ષના માસુમ બાળક સાથે મુસાફરી કરી રહ્યા હતા.

ચાલુ કારમાંથી ધુમાડા નીકળતાં જ પિતાએ અસાધારણ સમયસૂચકતા અને ધીરજ દાખવી હતી. તેમણે તુરંત કાર સાઈડમાં ઊભી રાખી ૨ વર્ષના માસુમ બાળકને ખોળામાં લઈ કારની બહાર કૂદકો મારી દીધો હતો.પિતા અને પુત્ર કારમાંથી બહાર નીકળ્યાના ગણતરીના સેકન્ડોમાં જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. પિતાની ત્વરિત બુદ્ધિમત્તાના કારણે એક મોટી હોનારત ટળી હતી અને પિતા-પુત્ર બંનેનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો.

કારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સ્થાનિકો અને ફાયર ફાયટરોએ આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ તે પહેલાં જ કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

 

(12:32 AM IST)