<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ઇડર માર્કેટીંગ યાર્ડમાં થયેલી 12 કર્મચારીઓની વિવાદાસ્પદ ભરતીના મામલે ગાંધીનગરમાં 22મીએ મહત્વની સુનાવણી

હાઈકોર્ટના આદેશને પગલે હવે ખેતી નિયામક કચેરી તમામ પક્ષકારોને સાંભળીને નવો નિર્ણય લેશે: અગાઉ ભરતી રદ કરવાનો હુકમ થયા બાદ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો

ઇડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં થોડા મહિનાઓ પૂર્વે કરવામાં આવેલી 12 કર્મચારીઓની ભરતીનો વિવાદ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. આ સમગ્ર મામલે આગામી 22 જુલાઈના રોજ ગાંધીનગર સ્થિત ખેતી નિયામકની કચેરી ખાતે ખાસ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં તમામ સંબંધિત પક્ષકારોને હાજર રહેવા કડક નિર્દેશ આપવામાં આવ્યો છે.

ઇડર એપીએમસીમાં થયેલી 12 કર્મચારીઓની ભરતીમાં અનિયમિતતા હોવાના આક્ષેપ માર્કેટયાર્ડના ડિરેક્ટર કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા. આ મામલે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી, ત્યારબાદ બજાર અધિનિયમની કલમ 44 હેઠળ વિગતવાર તપાસની ભલામણ કરવામાં આવી હતી. અંતે, નિયામક કચેરી દ્વારા 1963ના અધિનિયમની કલમ 47(2)(1) હેઠળ આ ભરતી પ્રક્રિયા અને તે સંબંધિત તમામ ઠરાવો રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ હુકમ સામે હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે અગાઉના ભરતી રદ કરવાના હુકમને રદ કરીને, તમામ પક્ષકારોને (ખાસ કરીને અરજદાર હેમંતભાઈ પટેલ અને કિરીટભાઈ પટેલને) સાંભળીને ગુણદોષના આધારે આગામી ચાર મહિનામાં નવો નિર્ણય લેવા સૂચના આપી છે. આ કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે હવે 22 જુલાઈએ ગાંધીનગરમાં નિયામક કચેરીમાં સુનાવણી યોજાનાર છે, જેના પર સમગ્ર પંથકની નજર મંડાયેલી છે 

(10:56 PM IST)