News of Tuesday, 21st April 2026
બદલાતી જતી જીવનશૈલી નૈતિક પતન નોંતરશે
દિગંબર સમાજના આચાર્ય પૂ.સુનિલ સાગરજીએ ચિંતા વ્યક્ત કરી : લોકો બજારની વસ્તુઓના એટલા આદી થઈ ગયા છે કે તેઓ પોતે ભોજન બનાવવાનું પણ ભૂલી ગયા છે

વડોદરા,તા.૨૧: વર્તમાન સમયમાં પર્યાવરણ પ્રદુષણ, જળ સંકટ અને આધુનિક જીવનશૈલીથી ઊભી થયેલી સમસ્યાઓ અંગે દિગંબર સમાજના આચાર્યે ચિતા વ્યક્ત કરી હતી. જે નદીઓનું પાણી ક્યારેક જીવનદાયી હતું. તે નદીઓ હવે ઝેરી રાસાયણિક પદાર્થો-ગંદકીથી ભરાઈ ગઈ છે.
દિગંબર સમાજના આચાર્ય પૂ.સુનીલ સાગરજીએ વિશ્વામિત્રી નદીની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે તેનું પાણી એટલું પ્રદુષિત થઈ ગયું છે કે તેનો એક ઘૂંટ પણ આરોગ્ય માટે જોખમી છે. શહેરોમાં કોંક્રિટના જંગલો ઊભા થઈ ગયા છે પરંતુ કૂવા સમાપ્ત થઈ ગયા છે. જેથી, લોકો સંપૂર્ણપણે ડેમના પાણી પર નિર્ભર છે. જો, કોઈ કારણસર ડેમના પાણીનો સપ્લાય બંધ થઈ જાય તો સમગ્ર શહેરમાં જળ સંકટ ઊભું થઈ શકે છે. મનુષ્યે પોતાના જ હાથોથી પોતાના માટે મુશ્કેલીઓની જાળ રચી છે. અતિશય ટેકનોલોજી પર નિર્ભરતા, વીજળીના જાળ અને પ્રાકૃતિક સંસાધનોના અંધાધૂંધ શોષણે જીવનને જાટિલ બનાવી દીધું છે. આવી પરિસ્થિતિમાં પ્રકૃતિ પ્રેમ, પર્યાવરણમૈત્રી અને અહિસક જીવનશૈલી અપનાવવી અત્યંત આવશ્યક બની છે. ગુરુદેવે ભગવાન મહાવીરના સંદેશનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે દયા, કરુણા અને પ્રેમ સાથે જીવન જીવવું તથા પ્રકૃતિનું સંરક્ષણ કરવું જ સાચો ધર્મ છે. તેમણે શુદ્ધ આહાર અને સરળ જીવન પર ભાર મૂક્યો હતો. જે સાથે નુક્તેચીની કરી હતી કે ઘણા લોકો બજારની વસ્તુઓના એટલા આદી થઈ ગયા છે કે તેઓ પોતે ભોજન બનાવવાનું પણ ભૂલી ગયા છે. સંજોગવસાત પરિસ્થિતિ બદલાય અને બહારનું ભોજન ઉપલબ્ધ ન રહે તો આવા લોકો ગંભીર સંકટમાં મુકાઈ જશે.
ડિજિટલ ફ્રોડનો જમાનો સામાજિક પરિસ્થિતિ પર ટિપ્પણી
કરતા ગુરુદેવે જણાવ્યું હતું કે હાલમાં છેતરપિડી, કપટ અને ડિજિટલ ઠગાઈ જેવી પ્રવૃત્તિઓ વધી રહી છે. વ્યક્તિને જ્યારે ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. સરળ, સીધું અને ધાર્મિક જીવન જ સાચા સુખનો માર્ગ છે. ધર્મ-ધ્યાન અને આત્મજ્ઞાનથી યુક્ત જીવન અપનાવીને જ મનુષ્ય તમામ સમસ્યાઓથી બચી સાચું કલ્યાણ મેળવી શકે છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
