<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

આણંદના કહાનવાડીની હોસ્ટેલમાં છોટાઉદેપુરના કવાંટના ધોરણ 12 ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

આંકલાવ પોલીસ અને એફએસએલની ટીમ તપાસ માટે દોડી આપઘાતનું કારણ હજી અકબંધ હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા .

આણંદ કહાનવાડીની ઉત્તર બુનિયાદી હાઇસ્કૂલમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. શાળાના હોસ્ટેલ રૂમમાં ધોરણ 12  અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, આત્મહત્યા કરનાર મૃતક વિદ્યાર્થી મૂળ છોટાઉદેપુર  જિલ્લાના કવાંટ ગામનો રહેવાસી હતો. તે અહીં કહાનવાડીની ઉત્તર બુનિયાદી સ્કૂલની હોસ્ટેલમાં રહીને બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો. હજુ તો તેની સામે આખું ભવિષ્ય પડ્યું હતું, તેવા સમયે આશાસ્પદ વિદ્યાર્થીના આવા અંતથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ તેના પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા જ શાળા વહીવટી તંત્ર દ્વારા તુરંત સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં આંકલાવ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ સાથે જ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ અને કડીઓ મેળવવા માટે એફએસએલ ની ટીમને પણ બોલાવવામાં આવી હતી. પોલીસે બંને રૂમ અને આસપાસના વિસ્તારની બારીકાઈથી તપાસ શરૂ કરી છે.

વિદ્યાર્થીએ આ આત્યંતિક પગલું શા માટે ભર્યું તે કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઘટનાસ્થળેથી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં તે અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ (Hospital) માં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આંકલાવ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(12:07 AM IST)