<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

દમણના જાણીતા દેવકાના દરિયા કિનારે નમો પથ પર મોન્સૂન ફેસ્ટિવલ-2026નો રંગારંગ આરંભ

ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલે યુવાનોને ડ્રગ્સ જેવા નસીલા પદાર્થોના સેવનથી દૂર રહેવા આહવાન કર્યું

સંઘ પ્રદેશ દમણના પ્રવાસનને વેગ આપવા માટે દમણના દેવકા બીચ પર મોન્સૂન ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. એક સપ્તાહ સુધી ચાલનારા આ મોન્સૂન ફેસ્ટિવલનો રંગારંગ આરંભ કરાવ્યો હતો. દમણના જાણીતા દેવકાના દરિયા કિનારે નમો પથ પર મોન્સૂન ફેસ્ટિવલના આરંભમાં પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય તથા સામાજિક અગ્રણીઓ સાથે પ્રદેશના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તો આ મહોત્સવમાં ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

મોન્સૂન  ફેસ્ટિવલ નિમિતે દરિયા કિનારે અનેક રંગારંગ કાર્યક્રમ અને કલ્ચરલ પરેડ પણ યોજાઇ હતી. મહત્વપૂર્ણ છે કે દમણનો દરિયો દેશભરમાં જાણીતો છે. દેશના ખૂણે ખૂણેથી પર્યટકો દમણની મુલાકાત લે છે. આથી છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાના માહોલમાં દરિયા કિનારે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે દમણના નમો પથ પર વિશેષ મોન્સૂન  ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. દમણના પ્રશાસક પ્રફુલ પટેલની આગેવાનીમાં આયોજિત આ રંગારંગ કાર્યક્રમ આરંભ વખતે જ મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો પરિવાર સાથે ઉમટ્યા  હતા. આ પ્રસંગે ભવ્ય આતશબાજી યોજાઇ હતી. જેથી દમણનું આકાશ ઝગમગી ઉઠ્યું હતું. 

 

સાથે જ દરિયા કિનારે સાંસ્કૃતિક પરેડ પણ યોજાઇ હતી. જેમાં દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી વિશેષ શો કરવામાં આવ્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મોન્સૂન  ફેસ્ટિવલને નિહાળીને મન મોહિત થયા હતા. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલે યુવાનોને ડ્રગ્સ જેવા નસીલા પદાર્થોના સેવનથી દૂર રહેવા આહવાન કર્યું હતું.

(11:46 PM IST)