<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

રાયપુર નર્મદા કેનાલના કિનારે પિતા પોતાના ત્રણ માસૂમ બાળકો સાથે જીવન ટૂંકાવવા પહોંચ્યો: પોલીસે ચારેયના જીવ બચાવ્યા

ફરજ પરની પીસીઆર વાને સમયસૂચકતા વાપરી ચારેયના જીવ બચાવી લીધા: ખાખી વર્દી પાછળ છુપાયેલી સંવેદનાએ એક આખા પરિવારને વિખેરાઈ જતો બચાવી લીધો

ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનની ટીમે રાત્રિના ઘનઘોર અંધકારમાં માનવતાનું એક એવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે. રાયપુર નર્મદા કેનાલના કિનારે જ્યારે એક પિતા પોતાના ત્રણ માસૂમ બાળકો સાથે જીવન ટૂંકાવવા પહોંચ્યો હતો, ત્યારે ફરજ પરની પીસીઆર વાને સમયસૂચકતા વાપરી ચારેયના જીવ બચાવી લીધા હતા. ખાખી વર્દી પાછળ છુપાયેલી સંવેદનાએ એક આખા પરિવારને વિખેરાઈ જતો બચાવી લીધો છે.

 

ઘટનાની વિગતો એવી છે કે, મોડી રાત્રે અંદાજે ત્રણ વાગ્યાના સુમારે જ્યારે આખું શહેર નિદ્રાધીન હતું, ત્યારે એક વ્યક્તિ પારિવારિક કે માનસિક તણાવને કારણે અત્યંત આઘાતજનક પગલું ભરવા નીકળ્યો હતો. તે પોતાના ત્રણ નાના બાળકોને લઈને રાયપુર નર્મદા કેનાલ પાસે પહોંચી ગયો હતો. બાળકો કદાચ અજાણ હતા કે તેમના પિતા તેમને કયા માર્ગે લઈ જઈ રહ્યા છે, પરંતુ નસીબજોગ ડભોડા પોલીસની પેટ્રોલિંગ ટીમ ત્યાંથી પસાર થઈ રહી હતી.

 

ડભોડા પોલીસની PCR વાનની ટીમ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં હતી. અવાવરૂ જગ્યાએ અને કેનાલના કિનારે એક વ્યક્તિને બાળકો સાથે જોઈને પોલીસ જવાનોને શંકા ગઈ હતી. પોલીસે તાત્કાલિક ગાડી ઉભી રાખી અને જોયું તો તે વ્યક્તિ અત્યંત હતાશ હાલતમાં હતો અને આપઘાત કરવાના ઈરાદે જ ત્યાં આવ્યો હતો. પોલીસ જવાનોએ પરિસ્થિતિની ગંભીરતા પારખીને બળપ્રયોગ કરવાને બદલે અત્યંત ધીરજ અને સંવેદનશીલતાથી તે વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી હતી.

(1:10 PM IST)