<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ઓલપાડના મુળદ ગામે ઝૂંપડાનો દરવાજો બંધ કરવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા પતિએ પત્નીની હત્યા કરી

ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે આવેશમાં આવીને નિલેશે પત્ની દુર્ગાના માથાના ભાગે લાકડાના બે જોરદાર ઘા ઝીંકી દીધા

સુરત :ઓલપાડ તાલુકાના મુળદ ગામે ઝૂંપડાનો દરવાજો બંધ કરવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. આ મામલે કીમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપી પતિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગત 30 મે 2026ના રોજ મુળદ ગામના શુભમ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં રહેતા 19 વર્ષીય નિલેશ મનસુખભાઇ મઇડાને તેની પત્ની દુર્ગાબેન સાથે ઝૂંપડાનો દરવાજો બંધ કરવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે આવેશમાં આવીને નિલેશે પત્ની દુર્ગાના માથાના ભાગે લાકડાના બે જોરદાર ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઇજા થવાને કારણે દુર્ગા ત્યાં જ લોહીલુહાણ થઈને ઢળી પડી હતી. આસપાસના પાડોશીઓ તેને તાત્કાલિક સારવાર અર્થે સાયણ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ ચકચારી ઘટના અંગે મૃતક દુર્ગાના ભાઈએ કીમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી નિલેશ મઇડા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને પોલીએ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળતી માહિતી મુજબ મૂળ મધ્ય પ્રદેશના નિલેશ મઇડા અને 20 વર્ષની દુર્ગાએ આશરે પાંચ મહિના પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. તેઓ ઓલપાડના મુળદ ગામે ઝૂંપડું બાંધીને રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા.

ડીવાયએસપી બી.કે.વનારએ જણાવ્યું હતું કે સુરત ગ્રામ્યના કીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયી કાલે રાત્રી દરમ્યાન એક બનાવ બન્યો હતો જે બનાવને લઈને કીમ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ગુનાની હક્કિત એવી છે કે કીમ ગામે શુભમ ઇન્ડસ્ટ્રીયલમાં ઝુપડામાં નિલેશ મનસુખભાઇ મઇડા તેની પત્ની દુર્ગાબેન સાથે રહેતા હતા અને ગયી કાલે રાતે પતિ પત્ની વચ્ચે અણબનાવ બન્યો હતો અને જેમાં આરોપી નીલેશભાઈએ તેની પત્નીને માથામાં લાકડાના બે ફટકા માર્યા હતા જેમાં દુર્ગાબેનને ગંભીર ઈજાઓ થઇ હતી જેથી તેમના પાડોશી દુર્ગાબેનને હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તબીબોએ દુર્ગાબેનને મૃત જાહેર કર્યા હતા. આ ગુનામાં દુર્ગાબેનના ભાઈ રાહુલભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને હાલ અટક કરવામાં આવ્યો છે તેમજ ગુનામાં વપરાયેલો ફટકો પણ કબજે કરવામાં આવ્યો છે. હાલ આરોપી કસ્ટડીમાં છે.

(11:29 PM IST)