તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
વન સ્ટેટ, વન એક્ટ, વન રૂલ’ તરફ મક્કમ પગલું: મહેસૂલના જૂના કાયદાઓના સરળીકરણ માટે સી.એલ. મીના અને જે.કે. અસ્તિક સમિતિની મહત્ત્વની ભલામણો
મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં યોજાયેલા સ્પેશ્યલ સેશનમાં ભલામણો વિશે ગહન ચર્ચા કરાઈ

ગાંધીનગર :ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને જટિલ કાયદાઓને સરળ બનાવવાના ઉમદા હેતુથી ‘વન સ્ટેટ, વન એક્ટ, વન રૂલ’(One State, One Act, One Rule)ની સંકલ્પના સાકાર કરવામાં આવી રહી છે. હાલમાં યોજાઇ રહેલી મહેસૂલ વિભાગની ચિંતન શિબિર અંતર્ગત યોજાયેલા એક સ્પેશ્યલ સેશનમાં આ વિષય પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જેમાં જમીન સુધારણા અને કાયદાકીય સરળીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સંકલ્પનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે રચાયેલી સી.એલ. મીના સમિતિ અને જે.કે. અસ્તિક સમિતિએ સઘન અભ્યાસ બાદ પોતાના અહેવાલો અને વિસ્તૃત ભલામણો સરકારને સુપરત કરી છે. ચિંતન શિબિરના ખાસ સત્રમાં આ સમિતિઓની ભલામણો પર અધિકારીઓ દ્વારા મંથન કરવામાં આવ્યું હતું.
જેમાં જૂના અને અપ્રસ્તુત મહેસૂલી કાયદા, નિયમો અને પરિપત્રોનો અભ્યાસ કરી બિનજરૂરી કાયદાઓને રીપીલ (રદ) કરવા, સુધારણાની જરૂરિયાતવાળા કાયદાઓના સ્થાને એક જ આધુનિક અને સંકલિત કાયદો તૈયાર કરવા, અસંખ્ય જૂના ઠરાવોના સ્થાને એક જ સર્વગ્રાહી અને સ્પષ્ટ ઠરાવ અમલમાં મૂકવા જેવી ભલામણો આપવામાં આવી છે.
જમીન મહેસૂલ સંબંધિત વિવિધ જટિલ કાયદાઓને એક જ સંકલિત માળખામાં પરિવર્તિત કરવાથી વહીવટી તંત્રમાં સ્પષ્ટતા, સુગમતા અને એકસૂત્રતા આવશે." જેના થકી કાયદાના અર્થઘટનમાં થતી ગેરસમજો દૂર થશે. વર્ષો સુધી ચાલતા મહેસૂલી વિવાદો અને લિટિગેશનમાં નોંધપાત્ર ઘટાડો થશે. સામાન્ય નાગરિકો અને અધિકારીઓ બંને માટે પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.
આ એકીકૃત માળખું “Ease of Doing Business”તેમજ “Ease of Living”ને વેગ આપશે અને ગુજરાતને ભૂમિ વહીવટના ક્ષેત્રમાં દેશનું મોડેલ રાજ્ય બનાવશે
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
