તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
સુરતના ભેસ્તાન વિસ્તારમાં નિર્માણાધિન બિલ્ડિંગના બીજા માળેથી પટકાતા બાળકીનું મોત
સાંઈ રેસીડેન્સી નામના કન્સ્ટ્રક્શન સાઈટના બીજા માળે ચણતર કામ ચાલતું હતું,માતા-પિતા મજૂરી કામમાં વ્યસ્ત હતા ત્યારે 2 વર્ષની બાળકી અચાનક નીચે પટકાઈ:નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના ઘટી છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર રમતા રમતા બીજા માળેથી નીચે પટકાતા 2 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન છે. એક ક્ષણની બેદરકારીના કારણે શ્રમિક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવી છે.
ભેસ્તાન વિસ્તારમાં આવેલી નિર્માણાધિન સાંઈ રેસીડેન્સીમાં હાલ ચણતર કામ ચાલી રહ્યું છે. અહીં રાજુ પવાર અને તેમનો પરિવાર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. રાબેતા મુજબ માતા પિતા બીજા માળે ચણતર કામમાં વ્યસ્ત હતા. તે દરમિયાન તેમની 2 વર્ષની દીકરી રક્ષા ત્યાં આસપાસ રમી રહી હતી. રમતા રમતા બાળકી અચાનક બીજા માળથી નીચે પટકાઈ હતી.
ઊંચાઈ પરથી નીચે પડવાને કારણે બાળકીને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ માતા પિતા અને અન્ય શ્રમિકો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી હતી.
નોંધનીય છે કે, માસૂમ રક્ષાના અકાળે મોતથી પવાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી. આ દુર્ઘટના અંગે જાણ થતાં ડીંડોલી પોલીસ મથકનો કાફલો પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. ડીંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બાંધકામ સાઈટ પર બાળકોની સુરક્ષાને લઈને આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
