<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

અમદાવાદના બાપુનગરમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી એક યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા પ્રેમી તેમજ માતા-પિતા અને ભાઈ દ્વારા અપાતા માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાનો આરોપ:પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી 3 આરોપીઓની અટકાયત કરી

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી એક યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે યુવતીના મિત્ર (પ્રેમી) અને તેના પરિવારજનોના અસહ્ય ત્રાસના કારણે યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા બાપુનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 3 આરોપીઓની અટકાયત કરી છે.

મળતી માહિતી મુજબ, મૃતક યુવતી અને આરોપી યુવક થોડા સમય પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા અને પ્રેમસંબંધ બંધાતા તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહેવા લાગ્યા હતા. જોકે, થોડા સમય બાદ યુવતીના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ હતી.

આક્ષેપ મુજબ, યુવતી જે યુવક સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી તે મિત્ર તેમજ યુવકના માતા-પિતા અને ભાઈ દ્વારા યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. સતત અપાતા ત્રાસ અને દબાણથી કંટાળીને આખરે યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

ઘટનાની જાણ થતા જ બાપુનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. પરિવારજનોના આક્ષેપ અને પ્રાથમિક તપાસના આધારે બાપુનગર પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:27 PM IST)