<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

વનથળધામમાં શ્રી ૧૦૮ સદગુરુ વંદના જન્મ જયંતિ મહામહોત્સવનું ભવ્ય આયોજન કરાશે

૨૩થી ૨૫ માર્ચ, ૨૦૨૭ દરમિયાન વિવિધ ધાર્મિક, આધ્યાત્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજાશે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વનથળધામ ખાતે શ્રી ગુરુગાદી સનાતનધામ આનંદ આશ્રમના આશીર્વાદથી પરમ પૂજ્ય મહંતશ્રી ભાર્ગવલાલજી મહારાજ અને ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ શ્રી ૧૦૮ સદગુરુ વંદના જન્મ જયંતિ મહામહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહામહોત્સવ તા. ૨૩ થી ૨૫ માર્ચ, ૨૦૨૭ દરમિયાન ફાગણ વદ-૧ થી ફાગણ વદ-૩ના દિવસોમાં યોજાશે.
મહોત્સવમાં પરમ પૂજ્ય બાલ બ્રહ્મચારી ૧૦૮ ધર્મસેવાલંકાર સદગુરુદેવ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ તેમજ પ.પૂ. આનંદસ્વરૂપ વિશ્વવંદનીય ભક્તવત્સલ ગુરુદેવ શ્રી દિનબંધુલાલજી મહારાજશ્રીના આશીર્વાદ અને સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન
મહામહોત્સવ દરમિયાન વનથળધામ ખાતે ૧૦૮ વિઘા જમીનમાં પુરુષોત્તમનગરનું ભવ્ય આયોજન, એકસો આઠ કુંડી અતિરુદ્ર મહાયજ્ઞ, જ્યોતીરથ દ્વારા પ્રસાદીના દરેક ગામોમાં પૂ. બાપુશ્રીની પધરામણી તથા ૨૧ ફૂટના રુદ્રાક્ષના શિવલિંગનું દિવ્ય દર્શન સહિતના કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ ઉપરાંત બાલનગરી, વ્યસનમુક્તિ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, અન્નક્ષેત્ર, ગૌશાળા, અખંડધૂન, મંત્રજાપ, ફોટો-આર્ટ ગેલેરી, સદગુરુ જીવનગાથા આધારિત ટેલિફિલ્મ તેમજ સદગુરુના જીવનચરિત્ર પર આધારિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતભરમાંથી પધારનાર પૂજ્ય આચાર્યો અને સંતો દ્વારા દિવ્ય દર્શન, આશીર્વાદ, સંત સંમેલન તથા રાત્રિના સમયે લોકડાયરા સહિતના વિવિધ ભક્તિમય કાર્યક્રમો યોજાશે.
વિશેષ ધાર્મિક આકર્ષણો
મહોત્સવ દરમિયાન ૧૦૮ કિલો લાડવાની પ્રસાદી, સદગુરુ મ્યુઝિયમનાં દર્શન તથા પવિત્ર નદીઓના જળથી પૂજ્ય બાપુની મૂર્તિનું રાજોપચારપૂર્વક પૂજન સહિતના વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
આ ભવ્ય મહોત્સવનું આયોજન શ્રી ગુરુગાદી સનાતનધામ આનંદ આશ્રમની શુભ આજ્ઞાથી પ.પૂ. મહંત શ્રી ભાર્ગવલાલજી મહારાજ, ટ્રસ્ટી મંડળ તથા શ્રી ૧૦૮ સદગુરુ વંદના જન્મ જયંતિ મહામહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ મહામહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સંતો-મહંતો અને ભક્તજનોને ઉપસ્થિત મહંત શ્રી ભાર્ગવલાલજી મહારાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે. (તસવીર : શૈલેષ વનાળિયા - રૂપાવટી)

(6:56 PM IST)