<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

સુરતની ઔરો યુનિવર્સિટી ખાતે પ્રવાસન વિભાગનું ભવ્ય થીમ પેવેલિયન : દક્ષિણ ગુજરાતની સમૃદ્ધ ટ્રાઈબલ સંસ્કૃતિ અને પર્યટન ક્ષેત્રની સંભાવનાઓ પ્રદર્શિત કરાઈ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ હેઠળ ૫ મે સુધી આયોજિત પ્રદર્શનમાં હસ્તકલાના લાઈવ ડેમો અને પરંપરાગત જોડીયા પાવા સંગીત આકર્ષણનું કેન્દ્ર : વેડિંગ ટૂરિઝમના વિકાસ અંગે વિશેષ સેમિનારોનું આયોજન

 સુરત: શુક્રવાર, ૧ મે ૨૦૨૬ : સુરતની ઔરો યુનિવર્સિટી ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સાઉથ ગુજરાત’ ના ભાગરૂપે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા એક વિશેષ થીમ પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. ૧ થી ૫ મે ૨૦૨૬ દરમિયાન ચાલનારા આ પ્રદર્શનમાં દક્ષિણ ગુજરાતના સાંસ્કૃતિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યને અદ્યતન માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જે મુલાકાતીઓમાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. આ પેવેલિયનનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતની પ્રવાસન ક્ષમતાઓને વૈશ્વિક ફલક પર લાવવાનો છે.

 

 પરંપરાગત કળા અને સંગીતનો સમન્વય:

પેવેલિયનમાં દક્ષિણ ગુજરાતના મુખ્ય પ્રવાસન સ્થળો અને ટ્રાઈબલ (આદિવાસી) સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી છે. અહીં પરંપરાગત હસ્તકલાના કારીગરો દ્વારા જીવંત પ્રદર્શન (Live Demonstrations) યોજવામાં આવી રહ્યા છે, જેનાથી મુલાકાતીઓ સ્થાનિક કળાઓને નજીકથી નિહાળી રહ્યા છે. આ સાથે જ, પરંપરાગત ગુજરાતી સંગીત વાદ્ય ‘જોડીયા પાવા’ ની જીવંત પ્રસ્તુતિઓ સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ કરી રહી છે. આધુનિક પ્રદર્શન માધ્યમો દ્વારા પ્રકૃતિ અને પ્રાકૃતિક સ્થળોના વૈવિધ્યપૂર્ણ અનુભવો પણ અહીં રજૂ કરાયા છે.

 

 વેડિંગ અને ટ્રાઈબલ ટૂરિઝમ પર વિશેષ ભાર:

આ આયોજન દરમિયાન માત્ર પ્રદર્શન જ નહીં, પરંતુ જ્ઞાનવર્ધક સેમિનારોનું પણ આયોજન કરાયું છે. ખાસ કરીને ‘વેડિંગ ટૂરિઝમ’ અને ‘ટ્રાઈબલ ટૂરિઝમ’ માં રહેલી નવી તકો અંગે નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. માહિતી ડેસ્ક પરથી પ્રવાસીઓ માટે બ્રોશર્સ, માર્ગદર્શિકાઓ અને વિવિધ ડેસ્ટિનેશનની વિગતો પૂરી પાડવામાં આવી રહી છે. ‘Explore & Experience Gujarat’ ના સંદેશ સાથે પ્રવાસન વિભાગ રાજ્યના પ્રવાસનને નવી ઊંચાઈએ લઈ જવા પ્રયત્નશીલ છે.

 

 અધિકારીનું નિવેદન:

ગુજરાત પ્રવાસન વિભાગના ઓએસડી હર્ષવર્ધનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં વેડિંગ અને ટ્રાઈબલ ટૂરિઝમ માટે વિશાળ સંભાવનાઓ રહેલી છે. આ પેવેલિયનના માધ્યમથી પરંપરા, સંસ્કૃતિ અને આધુનિક પ્રવાસનની તકોને એક જ મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલથી સ્થાનિક કારીગરો અને પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા નાના-મોટા વ્યવસાયોને મોટું પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી દિશાઓ ખુલશે.

(12:16 PM IST)