News of Monday, 28th September 2026
ભાભર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 96.88 ટકા ઊંચું મતદાન નોંધાયું
સાંસદ ગેનીબેન ઠાકોરે મતદાન કરી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રાખવા અને તમામ વેપારીઓને મતાધિકાર આપવાની માગ કરી

વાવ થરાદ જિલ્લાના ભાભર પંથકમાં રાજકીય ગરમાવો લાવતી ભાભર માર્કેટ યાર્ડ (APMC) ની ચૂંટણી શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થઈ છે. ભાભર માર્કેટ યાર્ડની નવી બિલ્ડિંગમાં કુલ 6 બુથો પર યોજાયેલા મતદાનમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી, જેના પરિણામે અંતે 96.88 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું.
ભાભર એપીએમસીની ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં કુલ 1,221 મતદારોમાંથી 1,183 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ફોર્મ ચકાસણી બાદ વિવિધ બેઠકો માટે કુલ 73 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ખેડૂત વિભાગમાંથી 65 અને વેપારી વિભાગમાંથી 8 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
આ ચૂંટણીમાં બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસંગે તેમણે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, લાઇસન્સ ધરાવતા તમામ વેપારીઓને મતાધિકાર મળવો જોઈએ. APMC માં ખેડૂતો અને વેપારીઓ બંને મુખ્ય હિતધારકો છે, તેથી તેમના હિતોનું સાચું પ્રતિનિધિત્વ થવું અનિવાર્ય છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
