તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું :જય અંબેના નારાઓ સાથે અંબાજી ધામ ગુંજી ઉઠ્યું
જેઠ સુદ પૂર્ણિમાનો પવિત્ર દિવસ હોવાથી અંબાજી તરફ આવતા તમામ માર્ગો પર ભક્તોનો ભારે પ્રવાહ: ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અદભુત ત્રિવેણી સંગમ

વિશ્વવિખ્યાત અને પવિત્ર શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં આજે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અદભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આજે અધિક માસની જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે મા અંબેના દર્શન કરવા માટે ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ જય અંબેના નારાઓ સાથે સમગ્ર અંબાજી ધામ ગુંજી ઉઠ્યું હતું.
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો ઊંચો છે, તેમ છતાં માઈભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી ન હતી. નાના બાળકોથી લઈને વડીલો સુધીના હજારો શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને માતાજીના દર્શન કરવા આતુર દેખાયા હતા. ભક્તોની આ અડગ શ્રદ્ધા સામે ગરમી પણ ફિક્કી સાબિત થઈ હતી.
આજે એક તરફ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, બીજી તરફ રવિવારની રજા અને સાથે જ જેઠ સુદ પૂર્ણિમાનો પવિત્ર દિવસ હોવાથી અંબાજી તરફ આવતા તમામ માર્ગો પર ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો. અમદાવાદ, પાલનપુર અને રાજસ્થાન તરફથી અંબાજી આવતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ટ્રાફિકનું દબાણ વધતા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ગરમીથી રાહત આપવા માટે મંદિરમાં દર્શનાર્થે આવેલા તમામ ભક્તો માટે ઠંડી અને તાજી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર અને લાઈનોમાં ઊભેલા શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન અંબાજી મંદિરમાં ભક્તિમય અને મંગલમય માહોલ જોવા મળ્યો હતો. લાખો શ્રદ્ધાળુઓએ શિશ ઝુકાવી મા અંબેના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
