હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધીનગર નજીક કરોડોની જમીન વિવાદ અને ખેડૂત અપહરણ કેસમાં મોટો ધડાકો : કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર શંકાના ઘેરામાં : સબ-રજીસ્ટ્રાર કચેરીમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરાયા બાદ બે મહિનાથી ખેડૂત લાપતા
અડાલજ પોલીસ સ્ટેશનમાં પત્નીએ નોંધાવી ફરિયાદ : આરોપીઓએ જગદીશ ઠાકોર સિવાય અન્ય કોઈને જમીન ન વેચવાની આપી હતી ધમકી : સીસીટીવી અને મોબાઈલ લોકેશનથી મોટા ખુલાસા થવાની શક્યતા

ગાંધીનગર -ગાંધીનગર નજીક આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીનના વિવાદમાં એક નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. અગાઉ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસી નેતાઓએ ઠાકોર સમુદાયની જમીન પચાવી પાડવામાં આવી હોવાનો મુદ્દો ઉઠાવીને તેને રાજકીય રંગ આપ્યો હતો, પરંતુ હવે આ જ પ્રકરણમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર જ ફસાયા હોવાનું બહાર આવ્યું છે. આ વિવાદિત જમીન હડપ કરવા માટે ખેડૂતનું સબ-રજીસ્ટ્રાર કચેરીમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું છે અને તેને બે મહિનાથી અજાણ્યા સ્થળે ગોંધી રાખવામાં આવ્યો છે.
ખેડૂતની પત્ની દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ:
ખોરજની જમીનના મૂળ ભાગીદાર અને ખેડૂત પોપટજી ઠાકોર પોણા બે મહિનાથી વધુ સમયથી ભેદી સંજોગોમાં લાપતા છે. આ મામલે પીડિત ખેડૂતની પત્ની શ્રીમતી કાજલ ઠાકોરે અડાલજ પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ, રવિ ઠાકોર, ગાભુ રબારી અને બળદેવ રબારી નામના શખસોએ પોપટજીને તેમની વડીલોપાર્જિત જમીન અન્ય કોઈ વ્યક્તિને વેચતા અટકાવ્યા હતા. એટલું જ નહીં, ગાંધીનગર સેક્ટર-૧૧ સ્થિત સબ-રજીસ્ટ્રાર કચેરીએથી પોપટજીનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું.
દસ્તાવેજો પર બળજબરીપૂર્વક સહીઓ કરાવી લેવાયાનો આક્ષેપ:
આરોપીઓએ ખેડૂત પત્નીને ધમકી આપી હતી કે જો કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સિવાય આ જમીન બીજા કોઈને વેચવામાં આવશે તો પરિણામ ખરાબ આવશે. આ પ્રકારની ગંભીર ધમકીઓ આપીને જમીનના દસ્તાવેજો પર બળજબરીપૂર્વક સહીઓ પણ કરાવી લેવામાં આવી છે. જમીન પચાવી પાડવાના ઈરાદે જ ખેડૂતને અજાણ્યા સ્થળે ગોંધી રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ અને આગામી ખુલાસાઓ:
આ ગંભીર પ્રકરણ અંગે અડાલજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે અને ગુમ થયેલા ખેડૂતની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસનું અનુમાન છે કે ગાંધીનગર સબરજિસ્ટ્રાર કચેરીના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવે તેમજ આરોપીઓ તથા સંકળાયેલા શખસોના મોબાઈલ ફોનના લોકેશન ટ્રેસ કરવામાં આવે તો આ મામલે કોંગ્રેસી નેતાની શંકાસ્પદ ભૂમિકા પણ બહાર આવી શકે છે. કરોડો રૂપિયાના આ જમીન કૌભાંડ અને અપહરણના મામલે આગામી દિવસોમાં મોટા અને ચોંકાવનારા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
