<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

વડોદરાના શિનોર પંથકમાં એક મસમોટું ઝાડ અચાનક ચાલુ મોટરસાયકલ પર ધસી પડ્યું : 60 વર્ષીય વૃઘ્ધનું મોત

મોલેથા-કરજણ રોડ પર આવેલા કુકસ માર્ગ પરથી પસાર થતા હતા ત્યારે ઝાડ અચાનક ચાલુ મોટરસાયકલ પર પડ્યું

વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદ દરમિયાન એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે, જેમાં એક બાઇક સવાર વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. 

   વિગતો મુજબ, શિનોર વિસ્તારના મોલેથા-કરજણ રોડ પર આવેલા કુકસ માર્ગ પરથી જ્યારે એક બાઇક સવાર પસાર થઈ રહ્યા હતા, ત્યારે વાવાઝોડા જેવા તેજ પવનના કારણે રોડ કિનારે ઉભેલું એક મસમોટું ઝાડ અચાનક ચાલુ મોટરસાયકલ પર ધસી પડ્યું હતું. 

  આ ભયાનક દુર્ઘટનામાં ઝાડના ભારેખમ થડ અને ડાળીઓ નીચે કચડાઈ જવાને કારણે મોટરસાયકલ ચલાવી રહેલા કરજણના 60 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઝાડ નીચે દટાયેલા વૃદ્ધના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે શિનોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(11:18 PM IST)