તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 25th November 2026
આણંદમાં ખાઉધરી ગલીમાં દારૂ પીવાની ના પાડતાં બે જૂથ વચ્ચે છરી અને લાકડાના ડંડા વડે મારામારી મામલે ત્રણ આરોપીઓ ઝડપાયા
આણંદ ટાઉન પોલીસે 6 શખ્સો સામે ગુના નોંધી ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે રાત્રિ પેટ્રોલિંગમાં વધુ 8 શખ્સો મળી કુલ 11 શખ્સો સામે કડક કાર્યવાહી

આણંદ શહેરના ટાઉન હોલ પાસે આવેલી ખાઉધરી ગલીમાં દારૂ પીવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. આ બનાવમાં છરી, લાકડાના ડંડા અને પ્લાસ્ટિકની પાઈપ વડે હુમલો કરાયાની સામસામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં આણંદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પણ પોલીસે વધુ 8 શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ શહેરની ખાઉધરી ગલીમાં સોમવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ આ મારામારીનો બનાવ બન્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ એવન ચાઈનીઝની લારી પાસે એક્ટિવા લઈને 3 શખ્સો જમવા આવ્યા હતા, અને આ દરમિયાન દારૂ પીવાની ના પાડતાં પીઝાહટમાં નોકરી કરતા વિજય ઠાકોર સાથે બોલાચાલી થઈ હતી, જેમાં ફરિયાદ મુજબ અવિનાશ મારવાડી નામના શખ્સે વિજય ઠાકોરના માથાના ભાગે છરી વડે હુમલો કર્યો હતો અને અન્ય 2 શખ્સોએ માર માર્યો હતો.
બીજી તરફ સામાપક્ષની ફરિયાદ મુજબ વિજય ઠાકોરે લાકડાના ડંડા વડે અવિનાશને કપાળના ભાગે માર માર્યો હતો. આ બનાવને લઈને આણંદ ટાઉન પોલીસે બંને પક્ષના કુલ 6 શખ્સો વિરુદ્ધ સામસામે ગુના નોંધ્યા છે, જે પૈકી અવિનાશ મારવાડી, અજય તડવી અને વિજય ઠાકોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે, તેમજ અજય તડવી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ અલગથી ગુનો નોંધાયો છે.
આણંદના વિભાગીય પોલીસ અધિકારી (DySP) જે.એન. પંચાલના જણાવ્યા અનુસાર મારામારીના બનાવ બાદ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું. ડી.એન. હાઈસ્કૂલ, ઈન્દિરા નગરી અને ગ્રીડ ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં લાકડીઓ જેવા હથિયારો સાથે ફરતા 4 શખ્સો સામે ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે અન્ય 4 શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યાં હતાં.
આણંદ ટાઉન પોલીસના PI, PSI અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલી આ ઝુંબેશમાં ખાઉધરી ગલીના મારામારીના બનાવ અને રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળીને કુલ 11 શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
