તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
ઊંઝાની સીમમાં ધમધમતા મોટા જુગારધામ પર દરોડો : 24 જેટલા જુગારીઓ રંગેહાથ ઝડપાયા : રૂ.6 લાખથી વધુનો મુદામાલ જપ્ત
બાતમીના આધારે ઊંઝા પોલીસ અને એસઓજીની ટીમે તાત્કાલિક સંયુક્ત દરોડો પાડ્યો :પકડાયેલા આરોપીઓ પૈકી ઋષિ પંચાલ નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર તરીકે નાળ ઉઘરાવીને આ મોટો જુગાર રમાડી રહ્યો હતો

ઊંઝા પોલીસ અને SOGની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઊંઝાની સીમમાં ધમધમતા એક મોટા જુગારધામ પર સફળ રેડ કરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, ઊંઝાની સીમમાં નાગડેરી ફેક્ટરી નજીક કેટલાક શખ્સો દ્વારા જાહેરમાં મોટું જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ઊંઝા પોલીસ અને એસઓજીની ટીમે તાત્કાલિક સંયુક્ત દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલા કુલ 24 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પકડાયેલા આરોપીઓ પૈકી ઋષિ પંચાલ નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર તરીકે નાળ ઉઘરાવીને આ મોટો જુગાર રમાડી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ તેમજ વાહનો સહિત કુલ 6 લાખ રૂપિયાનો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત, પોલીસે 14 મોબાઈલ ફોન, કાર અને જુગારમાં વપરાતા કોઈન પણ કબજે કર્યા છે. તમામ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ઊંઝા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી અસામાજિક પ્રવૃત્તિઓ આચરનારાઓ સામે કડક સંદેશો ગયો છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
