<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

ગોધરામાં બેસતા વર્ષે ૨૦ ફૂટની ભવ્ય હનુમાનજીની રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર, કલા અને આસ્થાનો અદભુત સંગમ

ડિજિટલ યુગ વચ્ચે ચંદન બાગ ખાતે સ્થાનિક કલાકારો દ્વારા અથાક મહેનતથી તૈયાર કરાયેલી વિશાળ કલાકૃતિ નિહાળવા ઉમટ્યા કલાપ્રેમીઓ.

ગોધરા : પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બેસતા વર્ષના પાવન પ્રસંગે કલા અને ધાર્મિક આસ્થાનો એક અદભુત સંગમ જોવા મળ્યો હતો. આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે યુવા પેઢી મોબાઈલની સ્ક્રીન સુધી સીમિત થઈ રહી છે, ત્યારે મોબાઈલની દુનિયાથી બહાર પણ કલાની એક જીવંત અને ભવ્ય દુનિયા અસ્તિત્વ ધરાવે છે તેનો અનોખો અહેસાસ ગોધરાવાસીઓને થયો હતો. ગોધરાના જાણીતા ચંદન બાગ ખાતે હનુમાનજી મહારાજનું ૨૦ ફૂટનું ભવ્ય અને આકર્ષક રંગોળી સ્વરૂપ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા માટે સમગ્ર શહેરમાંથી મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

આ વિશાળ અને નયનરમ્ય કલાકૃતિનું સર્જન ગોધરાના સ્થાનિક આર્ટિસ્ટ ડૉ. ખુશી પરમાર અને તેમની 'KALAKARS' આર્ટ ગ્રૂપની ટીમે મળીને કર્યું છે. આ ભવ્ય રંગોળી તૈયાર કરવા માટે આર્ટિસ્ટોએ સતત ૧.૫ દિવસની અથાક મહેનત કરી હતી. હનુમાનજીના આ ૨૦ ફૂટના વિશાળ સ્વરૂપને આબેહૂબ રીતે કંડારવા માટે લગભગ ૬૦ કિલો જેટલા વિવિધ મનમોહક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રંગોળીમાં હનુમાનજીના દરેક હાવભાવ અને અલૌકિક તેજને કલાકારોએ પોતાની કૂંચી અને રંગોના સુમેળથી ખૂબ જ ચોકસાઈપૂર્વક ઉપસાવ્યા છે.

ચંદન બાગ ખાતે યોજાયેલા આ સુંદર આયોજનમાં ગોધરાના શહેરીજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. ખાસ કરીને બાળપણથી જ ભારતીય સંસ્કૃતિ અને લોકકળા સાથે જોડાણ જળવાઈ રહે તે માટે વાલીઓ પોતાના બાળકો સાથે આ પ્રદર્શન નિહાળવા પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ આ કળાને બિરદાવી હતી અને કલાકારોના પ્રયાસોના મુક્તકંઠે વખાણ કર્યા હતા. આ કલાકૃતિ આજની યુવા પેઢી માટે આસ્થા અને કળાના સંગમ સાથે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.

કાર્યક્રમ દરમિયાન આર્ટિસ્ટ ડૉ. ખુશી પરમારે જણાવ્યું હતું કે, "અમારો મુખ્ય હેતુ ડિજિટલ યુગમાં આપણી હસ્તકળા અને ધાર્મિક પરંપરાઓ જીવંત રહે તે જાગૃતિ લાવવાનો છે." જ્યારે અન્ય આર્ટિસ્ટ ઈશા ચોકશીએ ઉમેર્યું હતું કે, "૧.૫ દિવસની સખત મહેનત બાદ જ્યારે લોકોના મુખ પર આ રંગોળી જોઈને ખુશી અને આશ્ચર્યના ભાવ જુઓ છો, ત્યારે બધો થાક દૂર થઈ જાય છે." આગામી સમયમાં સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે શહેરમાં આવા વધુ સાંસ્કૃતિક પ્રદર્શનોનું આયોજન કરવાનું આયોજન ચાલી રહ્યું છે.

(10:38 PM IST)