તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
અમદાવાદમાં આંગડિયા પેઢી લૂંટવાનું મોટું સશસ્ત્ર ષડયંત્ર નિષ્ફળ: બિહારથી હથિયારો મંગાવી દિવસો સુધી રેકી કરનાર ગેંગ ઝડપાઈ!
જમાલપુર ફૂટપાથ પર રહેતા શખ્સે બિહારના સપ્લાયર પાસેથી અલી મહોમ્મદ મારફતે મંગાવ્યા હતા હથિયારો; પોલીસે પ્લાનિંગ પાર પડે તે પહેલાં જ કરી ધરપકડ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આંગડિયા પેઢીને નિશાન બનાવીને મોટી લૂંટ ચલાવવાનું એક સનસનાટીભર્યું અને ઘાતકી કાવતરું પોલીસે સમયસર નિષ્ફળ બનાવ્યું છે. શહેરના ગાયકવાડ હવેલી વિસ્તાર હેઠળ આવતા જમાલપુર ફૂલ બજારની પાછળ ફૂટપાથ પર રહેતા ૪૮ વર્ષીય પ્રીતમ કિશનભાઈ યાદવ (મૂળ રહે. ઉત્તરપ્રદેશ) અને તેના સાગરીત રાજન દ્વારા આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવવાનું મોટું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસની સતર્કતાને કારણે આખું કાવતરું ખુલ્લું પડી ગયું છે.
પોલીસ તપાસમાં બહાર આવેલા દ્રશ્યો અને વિગતો અનુસાર, આરોપીઓ પ્રીતમ અને રાજને લૂંટના આયોજન માટે છેલ્લાં પાંચ દિવસથી અતિ શાતિર રીતે કામગીરી હાથ ધરી હતી. તેમણે આંગડિયા પેઢી અને તેની આસપાસના ધમધમતા વિસ્તારની સતત રેકી કરી હતી. આંગડિયા પેઢીના કર્મચારીઓની આવ-જાનો સમય, નાણાંની હેરફેર અને લૂંટ કરીને સરળતાથી ભાગી છૂટવા માટે અનુકૂળ હોય તેવા તમામ રસ્તાઓની ઝીણવટભરી વિગતો ભેગી કરીને આખું સ્થળ નક્કી કરી લીધું હતું.
આ સશસ્ત્ર લૂંટના કાવતરાને અંજામ આપવા માટે ઘાતક શસ્ત્રોની જરૂર હોવાથી, આરોપીઓએ બિહાર રાજ્યના સિવાન જિલ્લાના ભોપતપુર ગામના રહેવાસી બિશ્વકર્મા ભગત નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. બિશ્વકર્મા પાસેથી હથિયારો ખરીદીને તેને અલી મહોમ્મદ નામના વચેટિયા મારફતે ખાસ અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા. હથિયારોનો જથ્થો આવી પહોંચતા જ આ ગેંગ લૂંટ ચલાવવાની તૈયારીમાં હતી, પરંતુ તે પહેલા જ પોલીસને ગંધ આવી જતાં સમગ્ર નેટવર્ક ઝડપી લેવાયું હતું.
આરોપીઓએ રેકી કરવાથી લઈને બિહારથી શસ્ત્રો મંગાવવા અને અન્ય સાગરીતો સાથે સંકલન સાધીને લૂંટની યોજના ઘડી હતી. પોલીસે હથિયારોની વ્યવસ્થા અને લૂંટના ષડયંત્રમાં સામેલ તમામ કડીઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં અન્ય કયા કયા આંતરરાજ્ય શખ્સો જોડાયેલા છે અને અગાઉ કોઈ ગુનામાં એમની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
