હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ જોરદાર પલટો . : વાદળછાયા માહોલમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી એન્ટ્રી
મોડાસા ગ્રામ્ય તેમજ શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો :વાસેરાકંપા, ઇસરોલ અને જીવણપુર જેવા ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો

અરવલ્લી જિલ્લાના હવામાનમાં વહેલી સવારથી જ જોરદાર પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ઠંડો પવન ફૂંકાવા લાગ્યો હતો. અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ગયેલા સ્થાનિક રહીશોને આ બદલાયેલા ખુશનુમા વાતાવરણ અને ઠંડકને કારણે મોટી આશિક રાહત મળી છે.
જિલ્લાના મુખ્ય મથક મોડાસા, સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને ભિલોડા સહિતના આસપાસના વિસ્તારોમાં સવારથી જ સૂર્યનારાયણ વાદળોની પાછળ છુપાઈ ગયા હતા. વાતાવરણમાં આવેલા આ અચાનક પલટા બાદ પવનની ગતિ વધી હતી, જેના કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વાદળછાયા માહોલ વચ્ચે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી એન્ટ્રી થઈ ચૂકી છે.
હવામાન ખાતાની આગાહી સાચી ઠરતાં જ અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય તેમજ શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને વાસેરાકંપા, ઇસરોલ અને જીવણપુર જેવા ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. આ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને સમગ્ર પંથકના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે, જેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
