<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

તાંદળજામાં મોટો ભૂવો પડ્યો, માર્ગનો એક ભાગ બંધ થયો

વડોદરામાં માર્ગ પર જોખમઃઆશિયાના નગર પાસે રસ્તો ધસ્યો; ડ્રેનેજનું પાણી વહેતા અકસ્માતનો ભય, વાહનચાલકો પરેશાન

વડોદરા : વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં માર્ગની હાલતને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આશિયાના સોસાયટી નજીક મુખ્ય માર્ગ પર અચાનક વિશાળ ભૂવો પડતાં વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભૂવામાંથી ડ્રેનેજનું પાણી સતત વહેતું હોવાથી રસ્તો વધુ ધસી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ સાવચેતીના ભાગરૃપે માર્ગની એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભૂવો પડ્યા બાદ આ માર્ગ પરથી પસાર થવું જોખમી બની ગયું છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે. જો સમયસર સમારકામ કરવામાં નહીં આવે તો માર્ગનો વધુ મોટો ભાગ ધસી પડવાની શક્યતા છે.

સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સમક્ષ તાત્કાલિક સ્થળની તપાસ કરીને ભૂવાનું સમારકામ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે શહેરમાં વરસાદ બાદ વારંવાર રસ્તા બેસી જવાની અને ભૂવા પડવાની સમસ્યા સામે આવે છે, જેના કારણે લોકોની સુરક્ષા પર સવાલો ઊભા થાય છે.

હાલ તંત્ર દ્વારા સ્થળની તપાસ અને જરૃરી કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે.

(10:15 PM IST)