તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
સાગબારાના પાડી ગામે પરણાવેલી મહિલાનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કર્યા બાદ બીજા દિવસે મોત થતા અનેક તર્ક વિતર્ક
શું આ મહિલાનું ઓપરેશન થયા બાદ કોઈ ખામીના કારણે મોત થયું..? કે અન્ય કોઈ કારણ;મરનાર મહિલાને એક દીકરી અને એક દીકરો છે ત્યારે આ બંને બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ટેલીઆંબા ગામની મહિલાનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કર્યા બાદ બીજા દિવસે મોત થતા અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે. જોકે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.
મળતી માહિતી અનુસાર ઉમેશભાઇ ગોવિંદભાઇ વસાવા (રહે.પાડી, નિશાળ ફળીયુ. તા.સાગબારા,જી.નર્મદા )નાઓએ આપેલ ફરિયાદ મુજબ મરનાર તેમના પત્ની ગાયત્રીબેન ઉમેશભાઈ ગોવિંદભાઇ વસાવા( ઉ.વ.૨૪ )(રહે.પાડી) નાઓ ગઇ તા.૧૧/૦૯/૨૦૨૬ ના રોજ સાગબારા સરકારી દવાખાના ખાતે કોપર-ટી કઢાવવા માટે ગયા હતા ત્યાં ગાયત્રીબેન ની કોપર-ટી કાઢી કુટુંબ નિયોજન માટે ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓને દવાખાના માંથી રજા આપતા તેમના પતિ ટેલીઆંબા ગામે તેમના પિતાજીના ઘરે મુકી આવ્યા અને બીજા દિવસે તા.૧૨/૦૯/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં ગાયત્રીબેન ને ટેલીઆંબા ગામ ખાતે અચાનક ગભરામણ થતા તેઓ બેભાન થઇ ગયેલા જેથી તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાના ખાતે સારવાર માટે લઇ આવતા ફરજ ઉપરના ડોકટરે ગાયત્રીબેન ને તપાસતા મૃત જાહેર કરતા સાગબારા પોલીસે હાલ અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે : જિલ્લા આરોગ્ય અધિકારી
નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક કુમાર માઢક એ આ બાબતે જણાવ્યું કે ઓપરેશનના કારણે કોઈ તકલીફ થઈ નથી જ્યારે આ બહેનને રજા આપી ત્યારે તેઓ એકદમ સ્વસ્થ જ હતા અને જરૂરી કાગળો ઉપર સહી કરી તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા. છતાં અમે તેમનું સાદુ પીએમ નહીં બલ્કે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
