<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

અમદાવાદમાં બે લક્ઝુરિયસ કાર વચ્ચે જોરદાર ટક્કર વાહનોના આગળના ભાગે કુરચે-કુરચા ઉડ્યા:સદનસીબે એરબેગ્સના કારણે મોટી જાનહાનિ ટળી

શેલા તરફ જતા યોગ સર્કલ પર વહેલી સવારે એક અકસ્માત : કર્ણાવતી ક્લબ રોડ તરફથી આવતી મર્સિડીઝ કારની શેલા તરફથી આવી રહેલી કિયા કાર સાથે તેની જોરદાર ટક્કર થઈ

અમદાવાદના માર્ગો પર ફરી એકવાર બેફામ ગતિએ કહેર મચાવ્યો છે. શેલા તરફ જતા યોગ સર્કલ પર વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લક્ઝુરિયસ કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સદનસીબે એરબેગ્સના કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનોના આગળના કુરચે-કુરચા ઉડી ગયા હતા.

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના વહેલી સવારે આશરે 7 વાગ્યાની આસપાસ બની હતી. કર્ણાવતી ક્લબ રોડ તરફથી આવી રહેલી મર્સિડીઝ કાર ફૂલ સ્પીડમાં હતી. આ દરમિયાન શેલા તરફથી આવી રહેલી કિયા કાર સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મર્સિડીઝ કારની ગતિ એટલી વધારે હતી કે ચાલકે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને બંને કારો એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી.

 

આ અકસ્માતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટક્કર બાદ કિયા કાર હવામાં ફંગોળાઈને નજીકમાં આવેલી એક પંચરની દુકાન સુધી પહોંચી ગઈ હતી. મર્સિડીઝ કારના બોનેટનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, જ્યારે કિયા કારની તમામ એરબેગ્સ ખુલી ગઈ હતી. આ અકસ્માત સમયે પંચરની દુકાન બહાર બે યુવકો બેઠા હતા, જેઓનો આબાદ બચાવ થયો હતો. જો કાર થોડી પણ આગળ વધી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

 

 

આ ભયાનક ટક્કરમાં મર્સિડીઝ કારમાં સવાર પરિવારના સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. બીજી તરફ કિયા કાર ચલાવી રહેલા મહિલા ચાલકને પણ સામાન્ય ઈજાઓ થઈ છે. તમામ ઘાયલોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. કારની મજબૂત બોડી અને એરબેગ્સ સમયસર ખુલી જવાને કારણે તમામ લોકોના જીવ બચી ગયા છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

(2:02 PM IST)