<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

કલોલના સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી : ત્રણ શહેરોના ફાયર ફાઇટરો પહોંચ્યા

ફેક્ટરીમાં છેલ્લા એક કલાક કરતાં વધુ સમયથી અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાંતેજની એક અગ્રણી ફેક્ટરીમાં છેલ્લા એક કલાક કરતાં વધુ સમયથી અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ છે. ઉનાળાની વધતી જતી કાળઝાળ ગરમી અને પવનના કારણે આગે જોતજોતામાં એટલું રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે કે તેના ધુમાડાના કાળા ડિબાંગ વાદળો કેટલાય કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે.

આગનો વ્યાપ એટલો મોટો છે કે સ્થાનિક તંત્રના હાથ અધ્ધર થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં તાત્કાલિક ધોરણે અમદાવાદ, ગાંધીનગર અને કલોલ ત્રણેય શહેરોના ફાયર ફાઇટરોની ગાડીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો છે. છેલ્લા એક કલાકથી ફાયર વિભાગના જવાનો જીવના જોખમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહ્યા છે. વધતી ગરમીને કારણે ફેક્ટરીની અંદર રહેલો સામાન ઝડપથી આગ પકડી રહ્યો છે, જેના લીધે ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે પોલીસે તાત્કાલિક અસરથી આખી ફેક્ટરીની આસપાસ કોર્ડન કરી લીધું છે અને ત્યાં હાજર સામાન્ય લોકોને ઘટનાસ્થળથી દુર ખસેડવામાં આવ્યા છે જેથી કોઈ જાનહાનિ ન થાય. પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે કે ગરમીના કારણે આ બ્લાસ્ટ થયો છે તે દિશામાં આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ એફએસએલ (FSL)ની મદદથી તપાસ હાથ ધરવામાં આવશે. હાલમાં ફાયર વિભાગનું પ્રથમ લક્ષ્ય આગને વધુ ફેલાતી અટકાવવાનું છે.

(8:00 PM IST)