<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

બાલાસિનોર GIDC વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી :સમગ્ર વિસ્તારમાં અફરાતફરી

ગોડાઉનમાં પ્લાસ્ટિક, લોખંડ અને અન્ય જ્વલનશીલ ભંગારનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી વધી :આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

મહીસાગર જિલ્લાના બાલાસિનોર GIDC વિસ્તારમાં આજે એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ બાલાસિનોર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગને વધુ પ્રસરે તે પહેલા કાબૂમાં લીધી હતી.

બાલાસિનોર GIDCમાં આવેલા એક મોટા ભંગારના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક, લોખંડ અને અન્ય જ્વલનશીલ ભંગારનો જથ્થો હોવાને કારણે આગની તીવ્રતા ખૂબ જ ઝડપથી વધી ગઈ હતી. આગ લાગતા જ આસપાસના એકમોમાં કામ કરતા શ્રમિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા.

આગની ગંભીરતાને જોતા બાલાસિનોર નગરપાલિકાના ફાયર વિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ બે મોટા ફાયર ફાઈટર સાથે મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ ચારેય તરફ ફેલાયેલી હોવાથી ફાયરના જવાનોએ અલગ-અલગ દિશામાંથી પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. આસપાસના અન્ય ઉદ્યોગો સુધી આગ ન પહોંચે તે માટે ફાયરની ટીમે સતર્કતા દાખવી હતી.

ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરોને કલાકો સુધી મથામણ કરવી પડી હતી. સતત પાણીના મારા બાદ આખરે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ગોડાઉનમાં રહેલો લાખોનો ભંગાર અને માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી છે. GIDC જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં વારંવાર બનતી આવી આગની ઘટનાઓને પગલે ફાયર સેફ્ટીના સાધનોની સજ્જતા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

(1:09 PM IST)