<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

દાહોદના ગરબાડાના બોરિયાળા ગામમાં ભીષણ આગ ભભૂકી :3 ખેડૂતોનો આશરે 10 ટ્રેક્ટર જેટલો ઘાસચારો બળીને ખાખ

પશુઓના નિભાવ માટેનો ઘાસચારો નાશ પામતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું: ગ્રામજનો અને ફાયર બ્રિગેડે 2 થી 3 કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરિયાળા ગામમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. આ અચાનક લાગેલી આગમાં ગામના 3 ખેડૂતોનો મોટા પ્રમાણમાં ઘાસચારો બળીને ખાખ થઈ જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ગરબાડા તાલુકાના બોરિયાળા ગામમાં અચાનક લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પવન અને સૂકા ઘાસચારાને કારણે આગ ઝડપથી ફેલાતા ગામના પરમાર રામસિંહભાઈ પરથીભાઈ, પરમાર મૂળાભાઈ પરથીભાઈ અને પરમાર નરેશભાઈ રામસિંહભાઈનો સંગ્રહ કરેલો ઘાસચારો આગની લપેટમાં આવી ગયો હતો.

આ દુર્ઘટનામાં આશરે 4 થી 5 ટ્રેક્ટર જેટલું ડાંગરનું ઘાસ અને 5 થી 6 ટ્રેક્ટર જેટલું મકાઈનું ઘાસ બળીને સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. ખેડૂતોએ પોતાના પશુઓના નિભાવ માટે આખું વર્ષ ચાલે તે રીતે સાચવી રાખેલો સમગ્ર ઘાસચારો બળીને પૂરો થઈ જતાં હવે પશુપાલક ખેડૂતોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે.

આગની વિકરાળ જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોઈને આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો.

સ્થાનિક ગ્રામજનો અને ફાયર બ્રિગેડની ટીમે સતત 2 થી 3 કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો, જેથી આગ આસપાસના અન્ય ખેતરો કે રહેણાંક વિસ્તારમાં પ્રસરતા અટકી હતી. જોકે, આ ભીષણ આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને સમગ્ર મામલે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

(11:58 PM IST)