તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
ધુવારણ ખાતે સ્થપાશે મેગા ન્યુકિલયર પાવર પ્લાન્ટ
રૂા.૧.૨૫ લાખ કરોડથી રૂા.૨.૨૫ લાખ કરોડનું થઇ શકે છે રોકાણ : પ્રોજેકટ માટે ૧૧૦૦ હેકટર જમીન ઉપલબ્ધઃ પ્લાન્ટની ક્ષમતા ૪૨૦૦ વોટ અથવા ૭૦૦૦ મેગાવોટની હશે

અમદાવાદ તા.૨૬: ગુજરાતમાં વધુ એક મેગા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. અમદાવાદ નજીક આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આણંદ જિલ્લાના ધુવારણ ખાતે ૫૦:૫૦ના સંયુક્ત સાહસ દ્વારા નવો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સ્થાપવના કામ કરી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સૂચિત પ્રોજેક્ટની સ્થાપિત ક્ષમતા ૪,૨૦૦ મેગાવોટ અથવા ૭,૦૦૦ મેગાવોટ હોવાની શક્યતા છે, જેની અંતિમ રૂપરેખા હજુ ઉચ્ચ સ્તરે નક્કી કરવામાં આવી રહી છે. પ્રતિ મેગાવોટ અંદાજે રૂ. ૩૫ કરોડના રોકાણ મુજબ, આ પ્રોજેક્ટમાં આશરે રૂ. ૧.૨૫ લાખ કરોડથી રૂ.૨.૨૫ લાખ કરોડ સુધીનું રોકાણ થઈ શકે છે, જે સંભવિતપણે ગુજરાતના ઊર્જા ક્ષેત્રના સૌથી મોટા રોકાણોમાંનું એક બનશે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો એક અહેવાલ જણાવે છે.
આ ઉપરાંત સૂત્રોએ કહ્યું, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિગ, ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર્સ, ઇલેક્ટ્રિક મોબિલિટી અને અન્ય વધુ ઊર્જા વાપરતા ઉદ્યોગોના વિકાસને કારણે ગુજરાતમાં વીજળીની માંગમાં તીવ્ર વધારો થવાની સંભાવના વચ્ચે આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ માટે ૧,૧૦૦ હેક્ટર જમીન ઉપલબ્ધ છે. પ્રોજેક્ટની સાથે સ્થાપવામાં આવનાર ન્યુક્લિયર ફયુઅલ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકારની ટીમે સ્થળની મુલાકાત પણ લઈ લીધી હોવાનું ઉમેર્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે, ધુવારણ ખાતે સૂચિત ન્યુક્લિયર પાવર કોમ્પ્લેક્સ માટે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં જરૂરી જમીનની ઉપલબ્ધતા ચકાસી લીધી છે. પ્રાથમિક મૂલ્યાંકન મુજબ આ સ્થળ મોટા પાયે પરમાણુ પ્રોજેક્ટ વિકસાવવા માટે પ્રબળ સંભાવનાઓ છે. આ સૂચિત કેન્દ્ર-રાજ્ય સંયુક્ત સાહસ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડઅને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ વચ્ચે રચાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એક સમર્પિત સંયુક્ત સાહસ કંપની સ્થાપવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. જે આ સિવિલ ન્યુક્લિયર પાવર એસેટનું ડેવલપમેન્ટ, નિર્માણ અને સંચાલન કરી શકે છે. તેમજ ભૂકંપ સંબંધી પરિબળો, ભૂસ્તરશાષીય પરિસ્થિતિઓ અને કૂલિગ વોટરની ઉપલબ્ધતા સહિતના મૂલ્યાંકનો સાથે સાઇટના વિગતવાર લાક્ષણિકતા અભ્યાસો ચાલી રહ્યા છે. ટેક્રોલોજીના વિકલ્પોમાં સ્વદેશી અને વિદેશી રિએક્ટર ડિઝાઇન્સ વિચારણા હેઠળ છે.
ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીસાથેની ચર્ચાના આધારે, ધુવારણ ખાતે પ્રમાણિત સ્વદેશી પ્રેસરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર ટેક્રોલોજી, પ્રેસરાઇઝ્ડ વોટર રિએક્ટર્સ તેમજ પ્રમાણિત અને નિયમન હેઠળની વિદેશી રિએક્ટર ટેક્રોલોજીના ઉપયોગ અંગે ચકાસણી કરવામાં આવી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્ય સરકારે શક્યતાઓ ચકાસવા અને સંકલિત નીતિગત તેમજ વહીવટી સહાય પૂરી પાડવા માટે એક હાઇ-પાવર કમિટી અને એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના વિવિધ પાસાઓની તપાસ અને તેને આખરી ઓપ આપવા માટે એક્ઝિક્યુટિવ કમિટીની બે બેઠકો યોજાઈ ચૂકી છે.
જો મંજૂરી મળશે, તો ધુવારણ પ્રોજેક્ટ ગુજરાતના વર્તમાન ન્યુક્લિયર પોર્ટફોલિયોમાં વધારો કરશે. હાલમાં તાપી જિલ્લામાં કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન ખાતે ચાર કાર્યરત રિએક્ટર છે જેમાં ૨૨૦ મેગાવોટના બે એકમો અને સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા ૭૦૦ મેગાવોટના બે એકમોનો સમાવેશ થાય છે જેની કુલ સ્થાપિત પરમાણુ ક્ષમતા ૧,૮૪૦ મેગાવોટ છે
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
