<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

અરવલ્લીના મોડાસામાં મીની વાવાઝોડું ફુંકાયું આઇકોનિક બસપોર્ટ પર એલિવેશન ગ્રિલ તૂટી

ઊંચાઈ પરથી તોતિંગ ગ્રિલ નીચે પડતા મુસાફરોમાં ભારે દોડધામ:મોડાસા ચાર રસ્તા પાસે એક સીડી પડવાને કારણે નીચે પાર્ક કરેલી કારને નુકસાન પહોંચ્યું

ગુજરાતમાં મિની વાવાઝોડાની અસર દેખાઈ હતી અને તેના કારણે ઘણી જગ્યાએ નુકસાન થયું હોવાની વાત સામે આવી છે. શહેરના મધ્યમાં હલકી ગુણવત્તાના બાંધકામના બસપોર્ટથી  જીવનું જોખમ ઉભુ થયું છે. મોડાસામાં માત્ર 10 મિનિટ ફૂંકાયેલા પવને બાંધકામની પોલ ખોલી નાખી છે અને બસપોર્ટ પર હજારો લોકોની રહે છે અવરજવર. મોડાસા ચાર રસ્તા પાસે સીડી પડતા કારને નુકસાન થયું છે. ભિલોડા અને મોડાસા તાલુકામાં મિની વાવાઝોડાની અસર જોવા મળી હતી.

 

માત્ર 10 મિનિટ સુધી ફૂંકાયેલા જોરદાર પવને આઇકોનિક બસપોર્ટની એલિવેશન ગ્રિલને કાગળની જેમ ફંગોળી દીધી હતી. ઊંચાઈ પરથી તોતિંગ ગ્રિલ નીચે પડતા મુસાફરોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઉપરાંત, મોડાસા ચાર રસ્તા પાસે એક સીડી પડવાને કારણે નીચે પાર્ક કરેલી કારને પણ નુકસાન પહોંચ્યું હતું. સુસવાટા મારતા પવનોને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. માલપુર મોડાસા અને સાઠંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વાવાઝોડું શરૂ થતાં લોકોમાં દોડાદોડ મચી ગઈ હતી. જિલ્લામાં ઠેર ઠેર થયેલા વરસાદી ઝાપટાંના કારણે ખેડૂતોના મકાઈ બાજરી અને ઘઉં જેવા પાકો ઉપર માઠી અસર પડી હતી.

 

(11:36 AM IST)