<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

અમદાવાદના વેજલપુરમાં નજીવી વાતે ખેલાયો ખૂની ખેલ : કબાટમાં સામાન મુકવાની બાબતે 25 વર્ષીય યુવકની હત્યા

મહાવીરસિંહ જાદવે છરીના ઘા ઝીંકી હિરેન સોલંકીને પતાવી દીધો :જીવરાજપાર્કની શોરબકોર સ્કૂલ પાસે જાહેરમાં હિચકારો હુમલો :પીજીમાં રહેતા મિત્રો વચ્ચે કબાટ વાપરવાની બાબતે બોલાચાલી

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેજલપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જીવરાજપાર્ક પાસે આવેલી શોરબકોર સ્કૂલ નજીક એક 25 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના પાછળનું કારણ એટલું નજીવું છે કે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

મળતી માહિતી મુજબ, મૃતક હિરેન મેનશીભાઇ સોલંકી અને આરોપી મહાવીરસિંહ મહોબતસિંહ જાદવ વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી. આ વિવાદ માત્ર પીજીના કબાટમાં સામાન રાખવા જેવી બાબતે થયો હતો. આ જૂની અદાવત મનમાં રાખીને 23 વર્ષીય મહાવીરસિંહ જાદવે હિરેનને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું.

 

વેજલપુરની સત્યનારાયણ સોસાયટી અને વિભાવરી સોસાયટીની સામે જ્યારે હિરેન હાજર હતો, ત્યારે આરોપીએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. આરોપીએ તીક્ષ્ણ છરી વડે હિરેનના પેટના અને દૂંટીના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં હિરેનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત હિરેનનું કરૂણ મોત નીપજ્યું હતું.

(10:49 PM IST)