તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
છોટાઉદેપુર જિલ્લાના વિકાસને નવી ઉડાન: પાવીજેતપુરમાં રૂ. ૭.૮૨ કરોડના આધુનિક બસ ડેપો અને મોટી દુમાલીમાં સાયન્સ કોલેજનું ભૂમિપૂજન સંપન્ન
વર્ષો જૂની માંગ સંતોષાતા સ્થાનિકોમાં ખુશીની લહેર: પરિવહન અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પંથકને મળશે અત્યાધુનિક સુવિધાઓની ભેટ

છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં વિકાસના કાર્યોને વેગ આપવાના ભાગરૂપે આજે પરિવહન અને શિક્ષણ ક્ષેત્રે બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. પાવીજેતપુર ખાતે લાંબા સમયથી એસ.ટી. બસ ડેપોની રાહ જોઈ રહેલા નાગરિકો માટે રૂ. ૭.૮૨ કરોડના માતબર ખર્ચે આધુનિક બસ ડેપોના નિર્માણ માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે મોટી દુમાલી ખાતે રૂ. ૨૯ કરોડના ખર્ચે સરકારી વિજ્ઞાન કોલેજનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર પંથકમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં અત્યાર સુધી યોગ્ય એસ.ટી. બસ ડેપોની સુવિધા ન હોવાને કારણે મુસાફરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા નોકરીિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. બસો મુખ્ય માર્ગ પર જ ઊભી રહેતી હોવાને કારણે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા પણ કાયમી ધોરણે સર્જાતી હતી. સ્થાનિક લોકો અને પ્રવાસીઓ દ્વારા વર્ષોથી અહીં સત્તાવાર બસ ડેપો બનાવવાની માંગ ઉઠાવવામાં આવી રહી હતી, જેને અંતે મંજૂરી મળતા હવે આધુનિક સુવિધાઓથી સજ્જ બસ સ્ટેશનનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે.
જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના વરદ્ હસ્તે આ બસ ડેપોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ નવા બસ ડેપોના કાર્ય શરૂ થવાથી મુસાફરોને બેસવા માટે રાહત મળશે અને મુખ્ય માર્ગ પર સર્જાતી ટ્રાફિકની અવ્યવસ્થામાંથી પણ કાયમી મુક્તિ મળશે તેવી સ્થાનિક વેપારીઓ અને નાગરિકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિવહનની આ સુવિધાથી પાવીજેતપુર અને આસપાસના ગ્રામીણ વિસ્તારો વચ્ચેનો સંપર્ક વધુ સરળ અને વેગવાન બનશે.
બીજી તરફ, ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં મોટું સીમાચિહ્ન સાબિત થાય તે માટે મોટી દુમાલી ગામે રૂ. ૨૯ કરોડના મસમોટા ખર્ચે સરકારી વિજ્ઞાન કોલેજ (Science College) નું નિર્માણ કરવામાં આવશે. અત્યાર સુધી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના આદિવાસી અને ગ્રામીણ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે દૂર-દૂરના શહેરોમાં લાંબી મુસાફરી કરીને જવું પડતું હતું, જેના કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થતો હતો. હવે પોતાના જ વિસ્તારની નજીક સરકારી વિજ્ઞાન કોલેજ શરૂ થવાથી વિદ્યાર્થીઓ પોતાના ઘર આંગણે જ ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે.
આ ભવ્ય ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સમારોહમાં લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ સાંસદ રામસિંગભાઈ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા તેમજ એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ આ વિકાસ કાર્યોથી પંથકના સર્વાંગી વિકાસને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં એક જ દિવસમાં રૂ. ૩૭ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળવાથી સ્થાનિક સ્તરે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પાવીજેતપુરના આધુનિક બસ ડેપો અને મોટી દુમાલીની સાયન્સ કોલેજના નિર્માણથી આગામી સમયમાં યુવા વર્ગ અને પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થશે, જે જિલ્લાની કાયાપલટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
