તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
સુરતના શિશુગૃહમાં ખુશીઓની નવી સવાર: એક જ દિવસમાં ત્રણ અનાથ દીકરીઓને મળ્યા મા-બાપ, મુંબઈ, કચ્છ અને સુરતના પરિવારોમાં ગુંજી કિલકારીઓ
માતૃત્વની ઝંખના સંતોષાઈ: 'હસ્તી' સહિત ત્રણ નિરાધાર બાળકીઓને મળ્યું નવું સરનામું, વહીવટીતંત્રની સફળ પહેલથી ત્રણ પરિવારોનું જીવન થયું ધન્ય

સુરત : સુરતના કતારગામ સ્થિત પોપાવાલા અનાથ આશ્રમ (શિશુગૃહ) ખાતે આજે એક અત્યંત ભાવુક અને આનંદદાયક દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યાં વર્ષોથી સંતાન સુખ માટે ઝંખતા ત્રણ પરિવારો માટે આજનો દિવસ કોઈ મોટા ઉત્સવથી ઓછો નહોતો. એક સાથે ત્રણ નિરાધાર દીકરીઓને કાયદેસરની દત્તક પ્રક્રિયા દ્વારા નવા માતા-પિતા મળતા જાણે ખુશીઓનો ત્રિવેણી સંગમ રચાયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.
હૃદયસ્પર્શી મિલન: ડિંડોલીની 'હસ્તી' હવે મુંબઈની લાડલી
સુરતની સમાજ સુરક્ષા કચેરી અને બાળ સંરક્ષણ ગૃહની ટીમની મહેનત રંગ લાવી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જિલ્લા કલેક્ટર તેજસ પરમારના હસ્તે આ ત્રણ દીકરીઓને તેમના નવા પરિવારોને સુપરત કરવામાં આવી હતી. ખાસ કરીને ડિંડોલી વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવેલી 'હસ્તી' નામની બાળકીને મુંબઈનો એક પ્રેમાળ પરિવાર મળ્યો છે, જ્યારે અન્ય બે દીકરીઓમાંથી એકને કચ્છ-ભુજ અને ત્રીજી દીકરીને સુરતનો જ સ્થાનિક પરિવાર મળ્યો છે. આ દ્રશ્યો જોઈને ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
સુરત કલેક્ટરની અપીલ: બાળકોને તરછોડશો નહીં
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સમાજને એક ગંભીર અને સંવેદનશીલ અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, "કોઈ પણ કપરી પરિસ્થિતિ હોય, પરંતુ નિર્દોષ બાળકને કચરાપેટીમાં કે ખુલ્લા મેદાનમાં તરછોડવું એ મહાપાપ છે. આવા બાળકોને શિશુગૃહમાં ઉત્તમ સારસંભાળ અને પ્રેમ મળે છે. માતા-પિતાની મજબૂરી હોય તો પણ તેને સુરક્ષિત રીતે વહીવટીતંત્રને સોંપવી જોઈએ."
પારદર્શક પ્રક્રિયા અને ઉજ્જવળ ભવિષ્ય
જિલ્લા કલેક્ટર તેજસ પરમારે દીકરીઓને 'લક્ષ્મી'નું સ્વરૂપ ગણાવતા ભારત સરકારની CARA (Central Adoption Resource Authority) સિસ્ટમ વિશે માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, દત્તક લેતા પહેલા દંપતીની આર્થિક-સામાજિક સ્થિતિ અને બાળકના ઉછેર માટેની તેમની સક્ષમતાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે, જેથી બાળકીનું ભવિષ્ય સુરક્ષિત રહે.
આ ભગીરથ કાર્યમાં રાત-દિવસ એક કરીને બાળકોની માવજત કરતી જિલ્લા બાળ સંરક્ષણ અને શિશુગૃહની ટીમના દરેક સભ્યની કામગીરી ખરેખર પ્રશંસનીય છે. આ ત્રણેય પરિવારોમાં મળેલી આ ખુશીઓ ખરેખર સુરત શહેર માટે ગર્વની વાત છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
