<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

ઉભી થઇ નવી ઉપાધીઃ વાવાઝોડું અર્નબ ગયું અને 'મુરસુ' આવ્યું!

હવામાન ફરીથી પલટાશે, ગુજરાતમાં વરસાદ અને ઠંડીની આગાહી

ગાંધીનગરઃ  ચક્રવાતી તોફાન 'અર્નબ'ની અસર સંપૂર્ણપણે શમી જાય તે પહેલાં જ, બંગાળની ખાડીમાં એક નવી તોફાની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. સમુદ્ર પર વિકસી રહેલી આ પ્રણાલી આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવાર સુધીમાં તે એક ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધતા, તે સોમવાર, બીજી નવેમ્બરની સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના કિનારે પહોંચી શકે છે. બંગાળની ખાડીમાં પવનની ગતિ અત્યારે 65થી 75 કિમી પ્રતિ કલાક છે, જે ઝાપટાં સ્વરૂપે 85 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જો આ પ્રણાલી ચક્રવાતમાં ફેરવાય છે, તો તેને 'મુરસુ'  નામ આપવામાં આવશે. આવી પરિસ્થિતિ વચ્ચે આગામી છ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ.

 

મુરસુની અસર માત્ર આંધ્રપ્રદેશ પૂરતી જ સીમિત રહેવાની શક્યતા નથી. ભારતીય હવામાન વિભાગ એ 1 નવેમ્બર માટે દેશના વિવિધ ભાગોમાં વરસાદ અને ગાજવીજ સાથેના તોફાન અંગે ચેતવણી  જાહેર કરી છે. અરુણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કેરળ અને માહેમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઓડિશામાં વીજળી પડવા અને તેજ પવન ફૂંકાવા અંગે ચેતવણી આપવામાં આવી છે. મધ્ય ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના વિસ્તારોમાં હવામાનની સ્થિતિ બદલાઈ શકે છે. ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે, જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજથી 6 નવેમ્બર સુધીમાં ગુજરાતમાં ક્યાંય વરસાદ પડવાની આગાહી આપવામાં આવી નથી. આખા રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી છે. બીજી તરફ રાજ્યમાં તાપમાનમાં ફેરફાર થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

 

આગામી 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, ત્યારબાદ આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. લઘુત્તમ તાપમાન આગામી સાત દિવસ સુધી લગભગ યથાવત્ રહેવાની શક્યતા છે.

 

નોંધનીય છે કે, ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું હતું. રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જેતપુર, જામકંડોરણામાં તથા પોરબંદરના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતું. તેમજ અમરેલીના બગસરા, ખાંભા તાલુકામાં પણ કમોસમી વરસાદ થયો હતો.

અમરેલી જિલ્લાના બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો હતો. જૂનાગઢના ભેંસાણમાં પણ વરસાદ થયો છે. આ ઉપરાંત સાબરકાંઠાના વડાલી, ગીર સોમનાથ, અંબાજીમાં કમોસમી વરસાદ થયો હતો.

(12:01 PM IST)