તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
ચર્ચમાં શ્રદ્ધાળુ બનીને જતો અને રાત્રે ચોરી કરતો શાતિર ચોર પકડાયો: સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ!
પ્રાર્થના અને દાનપેટીમાં દાન નાખવાના નાટકે રેકી કર્યા બાદ ચોરીને આપતો અંજામ: લાલગેટ અને અઠવાલાઇન્સના ચર્ચમાંથી ચોરી કરનાર ૨૭ વર્ષીય અનિલ પારગીની ધરપકડ, રૂ. ૮૫,૫૦૦નો મુદ્દામાલ જપ્ત

સુરત : સુરત શહેરના લાલગેટ અને અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા જાણીતા ચર્ચમાં થયેલી ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓનો સુરત ક્રાઈમ બ્રાન્ચે સફળતાપૂર્વક ઉકેલ લાવી દીધો છે. ચોક્કસ બાતમી અને હ્યુમન સોર્સના આધારે પોલીસે કાર્યવાહી કરીને ૨૭ વર્ષીય અનિલ જવલિયા પારગી નામના શાતિર ચોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં બહાર આવેલા વિગત અનુસાર, ચોરીનો પ્રથમ બનાવ ગત ૧૪ સપ્ટેમ્બરે ચોકબજાર ચાર રસ્તા પાસે આવેલા સી.એન.આઈ. ક્રાઈસ્ટ ચર્ચ (CNI Christ Church) માં બન્યો હતો. આરોપીએ ચર્ચની પાછળની બારી ખોલી અંદર પ્રવેશ કરી મુખ્ય ઓફિસનું તાળું તોડી તિજોરીમાંથી રૂ. ૩૬,૦૦૦ રોકડા અને રૂ. ૧૦,૦૦૦ની કિંમતનું મલ્ટિમીડિયા સ્પીકર મળી કુલ રૂ. ૪૬,૦૦૦ ની ચોરી આચરી હતી. ત્યારબાદ ૨૩ સપ્ટેમ્બરે અઠવાલાઇન્સ સ્થિત ‘અવર લેડી ઓફ માઉન્ટ કાર્મેલ ચર્ચ’માંથી પણ તેણે આશરે રૂ. ૪૦,૦૦૦ ની રોકડ રકમ સેરવી લીધી હતી.
પ્રાર્થનાના બહાને રેકી કરવાની શાતિર મોડસ ઓપરેન્ડી
પોલીસ પૂછપરછમાં આરોપીની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આરોપી ખૂબ જ ચાલાકીથી દિવસના સમયે શ્રદ્ધાળુ બનીને ચર્ચમાં પ્રાર્થના કરવાના બહાને જતો હતો. તે દાનપેટીમાં દાન નાખવાનો નાટક કરીને ચર્ચની અંદરની તમામ જગ્યાઓ, તાળાં અને બારીઓની સઘન રેકી કરી લેતો હતો. ત્યારબાદ મોડી રાત્રે અંધારાનો લાભ લઈને ચર્ચમાં ઘૂસી ચોરીને અંજામ આપતો હતો.
રોકડ, સ્પીકર અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત
સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂ. ૫૪,૫૦૦ રોકડા, મલ્ટિમીડિયા સ્પીકર, સીલિંગ ફેન અને મોબાઈલ ફોન મળીને એકંદર રૂ. ૮૫,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે લાલગેટ અને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધાર્મિક સ્થળોને નિશાન બનાવતા ચોરને ઝડપી પાડી સુરત પોલીસે સરાહનીય કામગીરી કરી છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
