તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
ખોલવાડમાં કિલયર ટાઇટલ વિનાની જમીન પર પ્લોટ વેચી ₹૧.૫૬ કરોડની ઠગાઈ આચરનાર અમદાવાદની વિખ્યાત પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની કામરેજ પોલીસ દ્વારા ધરપકડ
૨૦૧૮માં અન્ય વ્યક્તિને વેચાઈ ગયેલી અને કોર્ટ વિવાદ હેઠળની જમીન પર ‘સહજાનંદ નિરવાણ’ પ્રોજેક્ટ બતાવી ૧૫થી વધુ ગ્રાહકો સાથે આચરી હતી છેતરપિંડી: BNS ની કલમો હેઠળ ગુનો દાખલ

સુરત: કામરેજ પોલીસે ૧.૫૬ કરોડ રૂપિયાના જમીન છેતરપિંડીના કેસમાં અમદાવાદની જાણીતી 'પતંગ હોટેલ'ના માલિક ઉમંગ હરિભાઈ ઠક્કરની ધરપકડ કરી છે. કિલયર ટાઇટલ ન ધરાવતી જમીન પર 'સહજાનંદ નિરવાણ' પ્લોટિંગ પ્રોજેક્ટનું પ્રમોશન કરીને ગ્રાહકો પાસેથી નાણાં ઉઘરાવવાનો આરોપી પર આરોપ મૂકવામાં આવ્યો છે.
કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર (FIR) અનુસાર, આરોપીએ કામરેજ તાલુકાના ખોલવાડ ગામે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો અને ખુલ્લા પ્લોટના બુકિંગ સ્વીકાર્યા હતા. જોકે, પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે જમીન પર પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી તે જમીન ૨૦૧૮માં જ અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. આ ઉપરાંત, આ જમીન કોર્ટ વિવાદ હેઠળ હતી અને આ પ્રોજેક્ટ પાસે કાયદાકીય રીતે જરૂરી એવું રેરા (RERA) નું એપ્રુવલ પણ નહોતું. આમ છતાં, આ વિવાદિત જમીન પર પ્રોજેક્ટનું મોટા પાયે માર્કેટિંગ કરીને ખરીદદારો પાસેથી બુકિંગ મેળવવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, ૧૫ થી ૧૬ જેટલા ગ્રાહકોને પ્લોટ આપવાનું વચન આપીને તેમની પાસેથી કુલ ₹૧.૫૬ કરોડની રકમ એકઠી કરવામાં આવી હતી. પરંતુ ગ્રાહકોને ન તો પ્લોટની ફાળવણી કરવામાં આવી કે ન તો તેમના નાણાં પરત કરવામાં આવ્યા. આખરે ભોગ બનનારાઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદના આધારે કામરેજ પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આરોપી પોતાની વગ અને રાજકીય સબંધોનો ઉપયોગ કરીને લાંબા સમયથી કાનૂની કાર્યવાહીથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ અંતે પોલીસે તેને શોધી કાઢીને જેલભેગો કર્યો છે.
કામરેજ પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી. ગોજીયાએ જણાવ્યું હતું કે, એપ્રિલ ૨૦૨૬માં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૬ અને ૩૧૮ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે આરોપીએ ટાઇટલ ક્લિયર ન હોય તેવી જમીન પર પ્લોટ વેચીને ૧૫ થી ૧૬ ફરિયાદીઓ પાસેથી ₹૧.૫૬ કરોડ ઉઘરાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ જમીન છેતરપિંડી, વિશ્વાસઘાત અને ષડયંત્ર સંદર્ભે ચાલુ વર્ષની શરૂઆતમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં ઉમંગ ઠક્કર, નીલ ઠક્કર અને કાંતા ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ હાલ આગળની તપાસ ચલાવી રહી છે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
