<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

સુરતના પૂરગ્રસ્તો માટે આશાનું કિરણ: વરાછા બેંકની મોટી રાહત; માત્ર ૯% ના વ્યાજદરે મળશે ૫ લાખ સુધીની 'ફ્લડ લોન'

કુદરતી આફત સામે સુરતીઓની જિંદાદિલીને સન્માન: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવી રાહત યોજનાઓનું લોન્ચિંગ; નાના વેપારીઓ અને ઉદ્યોગકારોને થશે સીધો ફાયદો

સુરત : સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ શહેરના અનેક રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. વેપાર-ધંધા અને રોજગારને થયેલા નુકસાનથી ચિંતિત નાગરિકો માટે હવે એક રાહતજનક સમાચાર સામે આવ્યા છે. સુરતની અગ્રણી 'ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ' દ્વારા પૂરના માર સહન કરનારા લોકોના આંસુ લૂછવા માટે એક વિશેષ 'ફ્લડ લોન' યોજનાની જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ યોજના અને પૂર-સુરક્ષા આપતી નવી વીમા યોજનાઓનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આફત સમયે વરાછા બેંક બની સાથીદાર

મુશ્કેલીના આ સમયમાં વરાછા કો-ઓપરેટિવ બેંકે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા પૂરગ્રસ્તો માટે માત્ર ૯ ટકાના રાહતદરે રૂપિયા ૫ લાખ સુધીની 'ફ્લડ લોન' આપવાની જાહેરાત કરી છે. બેંક દ્વારા આ યોજનામાં ખૂબ જ આકર્ષક શરતો રાખવામાં આવી છે જેથી જરૂરિયાતમંદ લોકો અને નાના વેપારીઓ ઝડપથી આનો લાભ મેળવી શકે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ બેંકના આ ઉમદા નિર્ણયની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ પગલાથી નાના વેપારીઓને ફરીથી પોતાના પગ પર ઉભા થવા માટે ખૂબ જ મોટું પીઠબળ મળશે.

૭૨ કલાકમાં સર્વે પૂર્ણ કરવાનો સરકારનો નિર્ધાર

બેંકની મુખ્ય કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓની મુસીબતો સામે લડવાની તાકાત અને એકબીજાને મદદ કરવાની ભાવનાને વંદન કર્યા હતા. તેમણે પૂરગ્રસ્તોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, "સરકાર પૂરના કારણે થયેલા નુકસાનનું ચોક્કસ આકલન કરવા માટે કટિબદ્ધ છે. અમે ૭૨ કલાકમાં સર્વે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેમાંથી ૮૦ ટકા કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં જ સરકાર દ્વારા અસરગ્રસ્તો માટે એક મોટું રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવશે."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુરતની માટીમાં પોઝિટિવિટી સાથે ફરી બેઠા થવાની અદભુત શક્તિ છે. સરકાર અને સ્થાનિક સામાજિક સંસ્થાઓ ખભેખભા મિલાવીને સુરતને પૂર્વવત કરવા માટે કાર્યરત છે.

કાર્યક્રમમાં દિગ્ગજોની હાજરી

આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવિણ ઘોધારી, બેંકના ચેરમેન નરેન્દ્ર કાકડીયા અને વિઠ્ઠલ ધાનાણીએ પ્રાસંગિક પ્રવચનો આપીને ઉપસ્થિતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિ બલર તેમજ અન્ય અગ્રણીઓ જયંતિભાઈ એકલેરા, મનહરભાઈ સાચપરા અને મુકેશભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વરાછા બેંકની આ પહેલને શહેરના વેપારી વર્ગમાં આવકારવામાં આવી રહી છે, જે આ મુશ્કેલ સમયમાં સુરત માટે આશાનું એક નવું કિરણ બની છે.

(10:24 PM IST)