તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
જાપાનમાં યોજાનારી ૨૦મી એશિયન ગેમ્સમાં ગુજરાતના 'રેકોર્ડબ્રેક' ૯ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે : ૧૨ વર્ષમાં ખેલાડીઓની સંખ્યા ત્રણ ગણી વધી
૨૦૧૪માં માત્ર ૩ ખેલાડીઓ હતા, હવે ૯ ખેલાડી અને ૧ રિઝર્વ ખેલાડીની પસંદગી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'ખેલ મહાકુંભ' અને 'શક્તિદૂત' અભિયાનના પરિણામે ગુજરાત મલ્ટી-સ્પોર્ટ્સ ગ્લોબલ પાવરહાઉસ બન્યું

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતનો રમતગમતનો ગ્રાફ વિશ્વ સ્તરે સતત ઊંચે જઈ રહ્યો છે. જાપાનના આઈચી-નાગોયા ખાતે ૧૯ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન આયોજિત થનારી ૨૦મી એશિયન ગેમ્સ માટે ગુજરાતમાંથી ૯ ખેલાડીઓની મજબૂત ટુકડી અને ૧ હાઈ-વેલ્યુ રિઝર્વ ખેલાડીની પસંદગી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪માં ૧૭મી એશિયન ગેમ્સમાં ગુજરાતમાંથી માત્ર ૩ ખેલાડીઓએ ભાગ લીધો હતો, તેની સરખામણીએ ૧૨ વર્ષમાં આ સંખ્યા ત્રણ ગણી વધીને પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જે રાજ્ય માટે અત્યંત ગૌરવની ક્ષણ છે.
અનુભવી ચેમ્પિયન્સ અને ઉત્સાહી યુવા પ્રતિભાઓની ટુકડી:
ભારતીય ટીમમાં પસંદગી પામેલા ગુજરાતના ખેલાડીઓમાં વિવિધ રમતગમત ક્ષેત્રના દ્રિગ્ગજોનો સમાવેશ થાય છે. આ ટુકડીમાં શૂટર ઈલાવેનિલ વલારિવન, ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહ, સોફ્ટ ટેનિસમાં અનિકેટ પટેલ, તરણવીર આર્યન નેહરા, ટેનિસમાં અંકિતા રૈના અને વૈદેહી ચૌધરી તેમજ સ્પ્રિન્ટર (દોડવીર) દેવયાની ઝાલા દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત ટેનિસ ખેલાડી જીલ દેસાઈની રિઝર્વ ખેલાડી તરીકે પસંદગી કરાઈ છે.
દૂરોગામી વ્યૂહરચના અને 'શક્તિદૂત' યોજનાનું ઉત્કૃષ્ટ પરિણામ:
આ સફળતા પાછળ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાખેલો મજબૂત પાયો જવાબદાર છે. તેમણે શરૂ કરાવેલી 'શક્તિદૂત યોજના' અને 'ખેલ મહાકુંભ' જેવા પાયાના કાર્યક્રમોથી સ્થાનિક સ્તરેથી રમત પ્રતિભાઓ શોધીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિશ્વસ્તરીય રમતગમત સંસ્કૃતિ અને આખી ઇકોસિસ્ટમ નિર્માણ કરી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૩૦માં ગુજરાત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાનું હોવાથી અત્યારથી જ યુદ્ધના ધોરણે વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. ગુજરાતે ઓલિમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં સતત પોતાનું પ્રતિનિધિત્વ વધારીને મલ્ટી-સ્પોર્ટ્સ પાવરહાઉસ તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
