<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

25 વર્ષની સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની ગૌરવપૂર્ણ યાત્રાને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ

ભારતીય જનતા પાર્ટી નર્મદા દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજપીપળા સ્થિત શ્રી કમલમ્ ખાતે વિશેષ કાર્યશાળાનું આયોજન

(ભરત શાહ દ્વારા ) નર્મદા :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની 25 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી નર્મદા દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજપીપળા સ્થિત શ્રી કમલમ્ ખાતે વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યશાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની સેવા યાત્રા, તેમના રાષ્ટ્રનિર્માણના સંકલ્પ અને જનસેવાના વિવિધ કાર્યોને લોકો સુધી પહોંચાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ અભિયાનને સંગઠનના પાયાના કાર્યકર્તાઓ સુધી લઈ જઈ તેને વધુ વ્યાપક અને અસરકારક બનાવવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશમાંથી પાર્થભાઈ માધાણી, પૂર્વ મહામંત્રી, યુવા મોરચો, સુરત શહેર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરી ‘સેવા સંકલ્પ અભિયાન’ના વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 25 વર્ષની જાહેરજીવનની યાત્રા માત્ર રાજકીય સફર નથી, પરંતુ સેવા, સંકલ્પ અને રાષ્ટ્રપ્રતિ સમર્પણની પ્રેરણાદાયી યાત્રા છે. આ યાત્રાના અનુભવો અને વિકાસકાર્યોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા કાર્યકર્તાઓએ સક્રિય ભૂમિકા ભજવવી જરૂરી છે.
કાર્યશાળામાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલભાઈ રાવ, જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી શબ્દસરણભાઈ તડવી સહિત જિલ્લાના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, અભિયાનના કાર્યક્રમોને તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી લઈ જવા, યુવાનો તથા મહિલાઓ સહિત સમાજના વિવિધ વર્ગોને અભિયાન સાથે જોડવા અને પ્રધાનમંત્રીની સેવા યાત્રાની માહિતી લોકો સુધી પહોંચાડવા અંગે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
‘સેવા સંકલ્પ અભિયાન’ને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓએ એકજૂટ થઈને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યશાળાના માધ્યમથી નર્મદા જિલ્લામાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ વેગ મળે અને પ્રધાનમંત્રીની 25 વર્ષની સેવા યાત્રાનો સંદેશ જન-જન સુધી પહોંચે તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
કાર્યશાળાના અંતે ઉપસ્થિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

(10:36 PM IST)