<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી સર્કલથી પાલજ તરફ જતી સ્કૂલ વાન અચાનક કાબૂ ગુમાવીને પલટી મારી ગઈ: 9 વિદ્યાર્થીઓને ઈજા

કુલ 16માંથી 9 બાળકોને સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા :2 બાળકોને ગંભીર ઈજા

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી સર્કલથી પાલજ તરફ જઈ રહેલી આ વાન અચાનક કાબૂ ગુમાવીને પલટી મારી ગઈ હતી, જેના કારણે વાનમાં સવાર બાળકોમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી. આ અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા.

 

મળતી માહિતી મુજબ, આ સ્કૂલવાનમાં ક્ષમતા કરતા વધુ એટલે કે અંદાજિત 16 જેટલા બાળકો સવાર હતા. પાલજ નજીક વાન પલટી ખાતા કુલ 9 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્ત બાળકોને તાકીદે સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, કુલ 16માંથી 9 બાળકોને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. આ પૈકી 2 બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમની હાલત નાજુક ગણવામાં આવી રહી છે. બાકીના 7 બાળકોને નાની-મોટી ઈજાઓ થઈ છે, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

 

આ ઘટનાએ ફરી એકવાર સ્કૂલ વાહનોમાં સુરક્ષાના નિયમો અને બાળકોની સંખ્યાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. વાલીઓમાં પણ આ સમાચારને પગલે ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:02 PM IST)