તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
ગુજરાતમાં અનુસૂચિત જાતિ માટે અલગ કમિશન બનાવાશે
ફરિયાદો સાંભળવા ઉપરાંત સરકારી યોજનાઓ અને અનામતના અમલ પર નજર રાખશે : આગામી અઠવાડિયામાં સરકાર સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતાઃ આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગોવા, પંજાબ અને તેલંગાણામાં આવી વ્યવસ્થા કાર્યરત

અમદાવાદ તા.૨૧: ગુજરાત સરકારે રાજ્યમાં અનુસૂચિત જાતિ (SC) માટે અલગ કમિશન રચવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ કમિશનનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના લોકોની ફરિયાદો માટે રાજ્ય સ્તરે અસરકારક વ્યવસ્થા ઊભી કરવી તેમજ તેમના માટેના બંધારણીય રક્ષણ, સરકારી યોજનાઓ અને કલ્યાણકારી કાર્યક્રમોના અમલ પર નજર રાખવાનો રહેશે. સરકાર આગામી અઠવાડિયામાં આ અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે.
આ પગલાને ભાજપ સરકાર દ્વારા અનુસૂચિત જાતિના સમુદાયોમાં પોતાની પહોંચ વધુ મજબૂત કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. રાજ્યની કુલ વસ્તીમાં અનુસૂચિત જાતિનો હિસ્સો આશરે ૭ ટકા છે. ગુજરાત વિધાનસભાની ૧૩ બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ટૂંક સમયમાં સંબંધિતો સાથે ચર્ચા શરૂ કરશે. તેમાં અનુસૂચિત જાતિના પ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓ અને સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને સામેલ કરવામાં આવશે. આ ચર્ચાઓના આધારે કમિશનનું માળખું, સત્તાઓ અને કામગીરીની પદ્ધતિ નક્કી કરવામાં આવશે.
સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે સામાજિક ન્યાય વિભાગે અનુસૂચિત જાતિ કમિશન સ્થાપવા માટેની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી છે. કાયદા વિભાગ પણ કમિશનની રચના માટે અલગ કાયદો જરૂરી છે કે નહીં તેની શક્યતા તપાસી રહ્યો છે. સરકાર આગામી અઠવાડિયામાં આ અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી શકયતા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રસ્તાવિત કમિશનની મહત્વની જવાબદારી અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ, તેમના અધિકારો નકારવા અને અન્ય ફરિયાદોની તપાસ કરવાની રહેશે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ માટેની સરકારી યોજનાઓ તથા બંધારણીય રક્ષણનો યોગ્ય અમલ થઈ રહ્યો છે કે નહીં તેની પણ તે દેખરેખ રાખી શકે છે.
કમિશન અનુસૂચિત જાતિને લગતી નીતિઓ અને કાયદાકીય બાબતોમાં રાજ્ય સરકારને ભલામણો પણ કરી શકશે. કેટલાક રાજ્યોમાં આવા કમિશનોને ફરિયાદોની તપાસ કરતી વખતે સિવિલ કોર્ટ જેવી કેટલીક સત્તાઓ પણ આપવામાં આવી છે.
હાલમાં અનુસૂચિત જાતિના બંધારણીય રક્ષણ અને તેમના હકો સાથે જોડાયેલા મુદ્દાઓની રાષ્ટ્રીય સ્તરે નેશનલ કમિશન ફોર શેડ્યૂલ્ડ કાસ્ટ્સ (NCSC) દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. આ બંધારણીય સંસ્થા બંધારણની કલમ ૩૩૮ હેઠળ રચવામાં આવી છે. દેશભરમાં તેની પ્રાદેશિક કચેરીઓ છે, જેમાં ૧૨ રાજ્ય કચેરીઓનો પણ સમાવેશ થાય છે.
રાજ્ય સ્તરે અલગ કમિશન બનવાથી ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકોની ફરિયાદો માટે વધુ સ્થાનિક અને સીધી વ્યવસ્થા ઊભી થઈ શકે છે. ખાસ કરીને અત્યાચાર, ભેદભાવ અને અનુસૂચિત જાતિ સાથે સંબંધિત નીતિઓ તથા બંધારણીય રક્ષણના અમલની દેખરેખમાં આ વ્યવસ્થા ઉપયોગી બની શકે છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગોવા, પંજાબ અને તેલંગાણા સહિતના રાજ્યોમાં અનુસૂચિત જાતિ અને અથવા અનુસૂચિત જનજાતિ માટે અલગ કમિશન કાર્યરત છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
