<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

અમદાવાદના પોશ વિસ્તાર સેટેલાઈટમાં રત્નાકર ફ્લેટના ત્રીજા માળે શોર્ટ સર્કિટથી લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા વચ્ચે ફસાયેલા 12થી વધુ રહીશોના જીવ જોખમમાં

ફાયર બ્રિગેડની સમયસૂચકતા અને તાત્કાલિક કાર્યવાહીથી હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને સીડી દ્વારા તમામ લોકોનું સફળ રેસ્ક્યૂ, મોટી જાનહાનિ ટળી: ઘરવખરીનો સામાન બળીને ખાખ, સ્થાનિકોમાં ભયનો માહોલ

અમદાવાદ, તા. 23 : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા રત્નાકર ફ્લેટના ત્રીજા માળે આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની હતી અને સમગ્ર ફ્લેટમાં કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. 

 

આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ત્રીજા માળે રહેણાંક ફ્લેટમાં ફસાયેલા 12થી વધુ લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા સીડી અને હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 

 

પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. 

 

આગને કારણે ફ્લેટના ત્રીજા માળે રાખેલો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સ્થાનિક લોકોમાં પણ આગની ઘટનાને લઈ ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

(3:52 PM IST)