News of Tuesday, 2nd June 2026
બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વાવાઝોડું ત્રાટક્યું: ડીસા-કાંકરેજમાં ભારે તારાજી સર્જી : એક વ્યક્તિનું મોત :અનેક ગામડામાં અંધારપટ
વાવાઝોડાના કારણે અનેક સ્થળોએ વીજળી પડવાની ઘટના:તાતીયાણા અને આકોલી ગામે વીજળી પડવાથી પશુધનના મોત: અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી -લોખંડના પતરા ઉડયા : થરા અને શિહોરી પંથકમાં વીજપોલ ધરાશાયી થતા ગામડાઓમાં અંધારપટ

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ મોડી રાત્રે વિનાશક વાવાઝોડું ત્રાટક્યું છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ડીસાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે. ડીસાના વરણ ગામમાં દીવાલ ધરાશાયી થતા એક યુવકનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર યુવક તેના દાદીના બારમાની વિધી માટે સામાન લેવા માટે બજારમાં ગયો હતો. ત્યારે આ ઘટના બની હતી. જેમાં અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. કુદરતી આફતના આ તાંડવમાં અનેક પરિવારો બેઘર બન્યા છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
બીજી તરફ ડીસામાં એક વિશાળ કોલ્ડ સ્ટોરેજનો શેડ તારાજીનો ભોગ બન્યો છે. વાવાઝોડાની તીવ્રતા એટલી હતી કે લોખંડી પતરા ખેતરોમાં દૂર સુધી ઉડીને ફંગોળાયા હતા, જેનાથી માલિકને અંદાજે ₹30 લાખનું આર્થિક નુકસાન થયું છે. બીજી તરફ, કાંકરેજ પંથકના આકોલી, ખારીયા, કંબોઇ અને રાણકપુર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરોમાં બાજરી જેવા તૈયાર પાકને મોટું નુકસાન થયું છે.
વાવાઝોડાના કારણે અનેક સ્થળોએ વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. તાતીયાણા અને આકોલી ગામે વીજળી પડવાથી પશુધનના મોત થયા છે. થરા અને શિહોરી પંથકમાં વીજપોલ ધરાશાયી થતા ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો છે. વહીવટી તંત્ર દ્વારા TDO અને તલાટી કમ મંત્રીને નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરવા સૂચના આપવામાં આવી છે, જ્યારે પીડિત ખેડૂત પરિવારોએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
