News of Friday, 1st May 2026
રાજપીપળા નગરપાલિકામાં એક ચાની લારી બની મહિલા કોર્પોરેટરનું કાર્યાલય
રાજપીપલા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ચાની કિટલી ચલાવતા ગીતાબેન પાટણવાડીયાને ટિકિટ આપી અને તેઓ જીતી પણ ગયા

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપલા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ચાની કિટલી ચલાવતી ગીતાબેન પાટણવાડીયાને આપી ટિકિટ, જીત બાદ ખુશીનો પાર ન રહ્યો હવે આ ચાની કીટલી સંભાળતી મહિલા કોર્પોરેટર બનતા એક ચાની કિટલી મહિલા કોર્પોરેટરનું કાર્યાલય બન્યું છે.
રાજપીપલા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ દ્વારા આ વખતે વોર્ડ 7 માં ચાની કિટલી ચલાવી રોજગારી મેળવતી મહિલા ગીતાબેન પાટણવાડીયા પર વિશ્વાસ મુકીને તેમને પાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપી મેદાને ઉતાર્યા હતા. સામાન્ય જનજીવન સાથે જોડાયેલી આ મહિલાને જ્યારે ભાજપ તરફથી ઉમેદવારી મળી ત્યારે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન ગીતાબેન પાટણવાડીયાએ ઘરઘર જઈને જનતા સાથે સીધો સંપર્ક સાધ્યો હતો.પોતાની સાદગી, મહેનત અને લોકો સાથેના લાગણીસભર સંબંધને કારણે તેઓ ઝડપથી મતદારોના મનમાં સ્થાન બનાવી શક્યા. મતદાન બાદ પરિણામ જાહેર થતાં જ ગીતાબેન પાટણવાડીયા વિજેતા જાહેર થયા અને તેમની ખુશીનો પાર રહ્યો નહીં.
જીત બાદ ગીતાબેન પાટણવાડીયા એ જણાવ્યું હતું કે, “આ જીત મારી નથી, આ વિસ્તારના દરેક નાગરિકની જીત છે. ભાજપે મારા જેવી સામાન્ય મહિલા પર વિશ્વાસ મુક્યો તે મારા માટે ગૌરવની વાત છે.”હાલમાં ગીતાબેન પોતાના રોજગાર માટે ચલાવતા ચાની કિટલીના ધંધાને ચાલુ રાખશે સાથે સાથે હવે તેઓ એ જ સ્થળ પર પોતાનું નાનું કાર્યાલય પણ શરૂ કરશે. આ કાર્યાલય દ્વારા તેઓ વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ સાંભળી તેનું નિવારણ લાવવા માટે પ્રયત્નશીલ રહેશે.સ્થાનિક રહીશો પણ ગીતાબેનના આ પ્રયાસને બિરદાવે છે.
તેમની બાજુમાં રહેતા એક શિક્ષક નમિતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે ગીતાબેનને હું છેલ્લા 40 વર્ષથી ઓળખું છે. તેઓ યુવાનીમાં વિધવા બની બે સંતાનોને ખુબ મહેનત કરીને ચાની કીટલી ચલાવી પોતાનું ગુજરાન ચલાવી આજે આટલા આગળ આવ્યા છે. મને વિશ્વાશ છે જેને ઘરને સંભાવ્યું એ અમારો વોર્ડ સંભાળશે અમારા વિસ્તારમાં રોડ, પાણી, સફાઈ, લાઈટ, ગટર જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવા માટે અસરકારક કામગીરી કરશે.આ ચૂંટણીમાં ગીતાબેન પાટણવાડીયાની જીતને લોકો “સામાન્ય માણસના પ્રતિનિધિની જીત” તરીકે પણ જોઈ રહ્યા છે. ભાજપે મહિલાને આગળ લાવી એક નારી શક્તિ નું ઉદાહરણ ઉભું કર્યું છે
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
