<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

અમદાવાદના માણેકચોકમાં ગઠીયો કળા કરી ગયો : બુલિયન કર્મચારીની બેગમાંથી 5 લાખ સેરવી લીધા

કર્મચારીની એક નાની સરખી ભૂલ અને મોબાઈલમાં રહેલી મગ્નતા લાખોના નુકસાનમાં બદલાઈ ગઈ: સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

અમદાવાદના હાર્દ સમાન માણેકચોક વિસ્તારમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ઘાંચીની પોળ વિસ્તારમાં એક બુલિયન પેઢીના કર્મચારીને ગઠિયાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. કર્મચારી પોતાની બેગ સાચવવાને બદલે મોબાઈલ ફોનમાં એટલો વ્યસ્ત હતો કે તેને આસપાસની ગતિવિધિઓનો સહેજ પણ અંદાજ આવ્યો નહીં. આ તકનો લાભ ઉઠાવીને એક ટોપીધારી શખ્સે અત્યંત કુશળતાપૂર્વક બેગમાંથી 5 લાખ રૂપિયા રોકડ સેરવી લીધા હતા.

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા નજીકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, આરોપીએ કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર શાંતિથી બેગ ખોલી હતી અને એક પછી એક નોટોના બંડલ પોતાના કબજામાં કરી લીધા હતા. આજુબાજુ લોકોની અવરજવર હોવા છતાં ગઠિયો એટલો નિશ્ચિંત હતો કે કોઈને પણ તેના પર શંકા ન ગઈ. કર્મચારીની જરા જેટલી બેદરકારી અને મોબાઈલમાં રહેલી એકાગ્રતા તેને મોંઘી પડી હતી.

ઘટનાની જાણ થતા જ આસપાસના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તાત્કાલિક અસરથી ખાડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને આરોપીની ઓળખ અને શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને પગલે ભરચક માણેકચોક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. વેપારીઓએ પોલીસ પાસે પેટ્રોલિંગ વધારવાની અને ગુનેગારોને વહેલી તકે પકડવાની માંગ કરી છે.

(11:52 PM IST)