<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરતાં ખળભળાટ: દોઢ મહિનામાં બીજી ઘટના

નવી સિવિલ હોસ્પિટલના એનાટોમી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિ નામના રેસિડેન્ટ ડોક્ટરે ધારદાર વસ્તુથી હાથની નસ કાપીને જીવન ટૂંકાવ્યું

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરતાં ખળભળાટ મચ્યો છે. યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિ નામના રેસિડેન્ટ ડોક્ટરે ધારદાર વસ્તુથી હાથની નસ કાપીને જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી સામે આવી છે. 

મળતી માહિતી મુજબ યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિ નવી સિવિલ હોસ્પિટલના એનાટોમી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. હોસ્પિટલ પરિસરમાં બનેલી આ ઘટનાને પગલે હોસ્પિટલ સ્ટાફ અને અન્ય રેસિડેન્ટ ડોક્ટરોમાં ચકચાર મચી છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનાના સમયગાળામાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતની આ બીજી ઘટના હોવાનું સામે આવ્યું છે. સતત બીજી ઘટનાથી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની સ્થિતિ અને તેમની સલામતી અંગે પણ સવાલો ઊભા થયા છે.

રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતના બનાવને પગલે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાના ચોક્કસ કારણ અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસ તપાસમાં ઘટનાને લગતી વધુ વિગતો બહાર આવી શકે છે.

દોઢ મહિનામાં બીજી વખત રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતની ઘટના સામે આવતાં નવી સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા અને રેસિડેન્ટ ડોક્ટરોને મળતા સહયોગ અંગે ચર્ચા શરૂ થઈ છે. હવે ઘટનાની તપાસમાં કારણો અને જવાબદાર પરિસ્થિતિ અંગે શું સામે આવે છે તેના પર નજર છે. 

ઉલ્લેખનિય છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જ ગત 9 ઑગસ્ટે બોયઝ પીજી હોસ્ટેલમાં રહેતા મૂળ મોડાસાના રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યાએ પોતાના રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

 

(6:29 PM IST)