News of Wednesday, 15th April 2026
પંચમહાલ જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 33 બેઠકો પર કેસરીયો લહેરાયો: વિપક્ષની છાવણીમાં સ્તબ્ધતા
શહેરા અને ગોધરા પંથકમાં વિરોધ પક્ષના ઉમેદવારોએ મેદાન છોડતા અથવા ટેકનિકલ કારણોસર ફોર્મ રદ થતા ભાજપે મતદાન પહેલા જ વિજયી શંખનાદ ફૂંકી દીધો

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના સત્તાવાર જંગ પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વ્યૂહરચનાના જોરે વિપક્ષોને પછાડીને અત્યાર સુધીની સૌથી મોટી લીડ પ્રાપ્ત કરી છે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 33 બેઠકો પર કેસરીયો લહેરાયો છે અને ભાજપની મજબૂત પકડ સાબિત કરી છે. ખાસ કરીને શહેરા અને ગોધરા પંથકમાં વિરોધ પક્ષના ઉમેદવારોએ મેદાન છોડતા અથવા ટેકનિકલ કારણોસર ફોર્મ રદ થતા ભાજપે મતદાન પહેલા જ વિજયી શંખનાદ ફૂંકી દીધો છે. આ આંકડાકીય સરસાઈ આગામી દિવસોમાં યોજાનારી સામાન્ય ચૂંટણીના પરિણામો પર નિર્ણાયક અસર પાડી શકે તેમ છે.
જિલ્લાની ચૂંટણી પ્રક્રિયા પર નજર કરીએ તો, પંચમહાલ જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો પૈકી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જેમાં ગોધરાની 2 અને શહેરાની 4 બેઠકો સહિત કાલોલની 1 બેઠકનો સમાવેશ થાય છે. સાંપા, નદીસર, અણિયાદ, મંગલિયાણા, નાદરવા, ધામરોળ અને કરોલી જેવી મહત્વની બેઠકો પર હવે ચૂંટણી યોજવાની જરૂર રહેશે નહીં. બીજી તરફ, તાલુકા પંચાયત સ્તરે પણ ભાજપે વિપક્ષી છાવણીમાં ગાબડા પાડ્યા છે. જિલ્લાની કુલ 174 તાલુકા પંચાયત બેઠકોમાંથી 26 બેઠકો બિનહરીફ થઈ છે, જેમાં એકલા શહેરા તાલુકાની 14 બેઠકો પર ભાજપનો એકચક્રી શાસન સ્થાપિત થયો છે. આ ઉપરાંત કાલોલમાં 6, હાલોલમાં 3 અને ગોધરામાં 3 બેઠકો પર કેસરીયો લહેરાયો છે.
નગરપાલિકાઓના સમીકરણોમાં પણ ભાજપે પોતાની પકડ જાળવી રાખી છે. શહેરા નગરપાલિકાની 28 બેઠકોમાંથી 17 બેઠકો બિનહરીફ જાહેર થતા ભાજપે શાસન ધુરા સંભાળવા માટે જરૂરી સ્પષ્ટ બહુમતી મતદાન પૂર્વે જ હાંસલ કરી લીધી છે. ગોધરા નગરપાલિકાની વાત કરીએ તો અહીં 44 બેઠકો પૈકી 4 મહિલા બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે કોઈ હરીફ ન રહેતા તેમને વિજેતા જાહેર કરાયા છે. વોર્ડ નંબર 3 માં 2 મહિલાઓ, જ્યારે વોર્ડ 4 અને 10 માંથી 1-1 મહિલા ઉમેદવાર બિનહરીફ થયા છે. વિરોધ પક્ષો દ્વારા મજબૂત ઉમેદવારોની પસંદગીમાં નિષ્ફળતા અને ભાજપના પાયાના કાર્યકરોની સંગઠિત શક્તિ આ એકતરફી વિજય પાછળના મુખ્ય કારણો છે.
આ પ્રચંડ જીત અંગે પ્રતિક્રિયા આપતા સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે આ પરિણામો જનતાનો વડાપ્રધાનના વિકાસકાર્યો પરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. જોકે, બીજી તરફ વિપક્ષોએ સત્તાધારી પક્ષ પર દબાણની રાજનીતિ અને વહીવટી તંત્રના દુરુપયોગના આક્ષેપો કર્યા છે, પરંતુ બિનહરીફ થયેલી બેઠકોના આંકડા ભાજપ માટે અનુકૂળ સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. હવે બાકી રહેલી બેઠકો પર જંગ જામશે, પરંતુ 33 જેટલી બેઠકો પર પ્રારંભિક વિજય મેળવીને ભાજપે વિરોધીઓના મનોબળ પર જોરદાર પ્રહાર કર્યો છે. પંચમહાલના રાજકારણમાં આ ફેરફાર આગામી વર્ષોના સ્થાનિક સમીકરણો માટે પાયાના પથ્થર સમાન સાબિત થશે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
