News of Friday, 1st May 2026
વેપારીને વજન-માપના પહેલા ગુનામાં સીધો કેસ નહીં થાયઃ નોટિસ અપાશે
નવો કાયદો આજથી લાગુઃ નોટિસ આપીને સુધારાની તક અપાશે : ગ્રાહકોને થતા નુકસાનનું શું તેની સ્પષ્ટતા નહીં

અમદાવાદ,તા.૧: એક્તરફ ગ્રાહકો સાથે છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે ધી જનવિશ્વાસ એક્ટમાં કરેલા ગ્રાહકલક્ષી બાબતોના સુધારા આજથી અમલી બની રહ્યા છે. તેમાં વજન-માપના ગુનામાં વેપારીઓને આડકતરી રીતે રાહત આપી દીધી છે. નવા સુધારા મુજબ પ્રથમ ગુનાના ભંગમાં વેપારી સામે સીધો કેસ કરી શકાશે નહીં અને તેને ફક્ત નોટિસ જ આપવામાં આવશે.
સરકારે વ્યાપાર-ધંધાને પ્રોત્સાહન આપવા અને વેપારીઓની કાયદાકીય હેરાનગતિ ઓછી કરવા માટે તેમની સામે ગુના ભંગમાં પગલા લેવામાં રાહતો આપવાનો નિર્ણય લીધો છે પરંતુ તેના કારણે વેપારીઓનો એક વર્ગ તેનો ગેરલાભ ઉઠાવી શકે તેવી ભીતિ હોવાનું ગ્રાહક સંગઠનો માની રહ્યા છે. એટલું જ નહીં ડી-ક્રિમિનાઈઝેશનના નામે સરકારે વજન-માપ, પેકેજ કોમોડિટીઝના ગુના ભંગમાં કેટલીક કલમોમાં કેદની સજા રદ પણ કરી દીધી છે. ગ્રાહક સંગઠનના અગ્રણી જશવંતસિહ વાઘેલાના કહેવા મુજબ કેટલીક કલમમાં પ્રથમ ગુનાના ભંગમાં તોલમાપ ઇન્સ્પેક્ટરો વેપારીઓ સામે સીધો કેસ કરી શકશે નહીં. જેમાં નોન સ્ટાન્ડર્ડ યુનિટ, વજન-માપ મોડલ એપ્રુવલ નહીં લેવું, મણ-વાર-ફૂડ વિગેરે અને પેકેજ કોમોડિટીઝના ડેકોરેશનના ગુનાભંગ વિગેરેનો સમાવેશ થાય છે. તેની સામે વેપારીઓને સુધારો કરવાની તક માટે ઈમ્પ્રુવમેન્ટ નોટિસ અપાશે જેમાં તેમને કાયદા-નિયમ કે નિર્દેશોનો ભંગ થતો હોય તો તે દર્શાવવું પડે, જેનો ભંગ થતો હોય તે જણાવવું પડશે. જો કે ગ્રાહકને તેના કારણે જે નુકસાન થતું હશે તેના વળતર પેટે શું તેની સ્પષ્ટતા કરાઈ નથી. એટલું જ નહીં તોલમાપ વિભાગ એક વેપારી ઉપર પણ માંડ કેસ કરે છે ત્યારે તેને પહેલામાં જ રાહત મળી જશે તો બીજો કે ત્રીજો દંડનીય કેસ ક્યારે કરાશે તે સવાલ છે.
તે ઉપરાંત વેપારીઓને કેટલાક કાયદા-નિયમભંગમાં પ્રથમ ગુનામાં સુધરવાની તક અપાય છે તેની સામે નાગરિકોને પ્રથમ વખત ટ્રાફિક કે અન્ય હળવા કાયદાનો ભંગ કરે તો તેવી કોઇ રાહત મળતી નથી. તે સાથે નવા સુધારામાં કાયદાના બદલે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તેવો બદલાવ પણ કરવામાં આવ્યો છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
