<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

અમદાવાદમાં નવરાત્રિ પૂર્વે ‘પાઘડી મેન’નું અનોખું આકર્ષણ: આદ્યશક્તિની આરાધના માટે તૈયાર કરી ૫ કિલોની ભવ્ય પાઘડી અને ૨૦ કિલોનો વિશેષ કોસ્ચ્યુમ

દર વર્ષે નવી થીમ સાથે ગરબાના રંગમાં ચાર ચાંદ લગાવતો અનોખો કલાપ્રેમ: શ્રદ્ધા, સર્જનાત્મકતા અને પરંપરાના સંગમથી ખેલૈયાઓ અને દર્શકો થશે મંત્રમુગ્ધ

અમદાવાદ : ખેલૈયાઓ જેના માટે આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે તે મા અંબાની આરાધનાનો પવિત્ર પર્વ નવરાત્રિ હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિ એટલે રંગ, રાસ-ગરબા અને અનોખા પરંપરાગત વસ્ત્રોનો ઉત્સવ. દર વર્ષે ગરબાના રસોિયાઓ કંઈક અલગ અને આકર્ષક લુક અપનાવવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે અમદાવાદ શહેરના એક કલાપ્રેમીએ પોતાની અનોખી સર્જનાત્મકતાથી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. અમદાવાદમાં ‘પાઘડી મેન’ તરીકે જાણીતા આ કલાકારે આ વર્ષે ‘આદ્યશક્તિ’ થીમ આધારિત પાંચ કિલોની ભવ્ય અને વિશાળ પાઘડી તૈયાર કરી છે.

અમદાવાદના આ પાઘડી મેન માટે પાઘડી એ માત્ર શણગાર કે પહેરવેશનો ભાગ નથી, પરંતુ ભારતીય પરંપરા અને કલાત્મકતાનો અદ્ભુત ત્રિવેણી સંગમ છે. તેઓ દર વર્ષે નવરાત્રિ મહોત્સવ માટે નવી થીમ આધારિત પાઘડીઓ ડિઝાઇન કરે છે. આ વખતે તેમણે ભક્તિ અને નારી શક્તિના પ્રતિક સમાન જગતજનની મા અંબાની ‘આદ્યશક્તિ’ થીમ પસંદ કરી છે. આ પાઘડીમાં બારીક કારીગરી અને કલાત્મક ડિઝાઈનનો ઉપયોગ કરીને આદ્યશક્તિના વિવિધ રૂપોનું અનોખું દર્શન કરાવવામાં આવ્યું છે.

ખાસ વાત એ છે કે માત્ર પાઘડી જ નહીં, પરંતુ તેમણે નવરાત્રિમાં ગરબા રમવા માટે આખી થીમ આધારિત વિશેષ કોસ્ચ્યુમ પણ જાતે તૈયાર કર્યો છે. આ સમગ્ર કોસ્ચ્યુમનું વજન અંદાજે ૧૫ થી ૨૦ કિલો જેટલું છે, જ્યારે તેની સાથે શિર પર ધારણ કરવામાં આવનારી આદ્યશક્તિ થીમની પાઘડીનું વજન લગભગ ૫ કિલો છે.

વર્ષોથી અલગ-અલગ કલાત્મક થીમ સાથે પાઘડી અને પહેરવેશ તૈયાર કરીને ગરબાના મેદાનમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર આ પાઘડી મેનનો આ વર્ષનો આદ્યશક્તિ લુક ગરબા રમતા ખેલૈયાઓ અને દર્શકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે. ભક્તિ, કળા અને પરંપરાના આ અનોખા સંગમથી આ વખતે અમદાવાદની નવરાત્રિના રંગમાં વધુ એક વિશેષ રોમાંચ ઉમેરાશે.

(7:39 PM IST)