તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
અંબાજીમાં મેઘરાજાને રીઝવવા અનોખો પ્રયોગ:નાના-મોટા તમામ બજારો સ્વયંભૂ બંધ રાખી શિવલિંગો કરાયા જળમગ્ન
સમગ્ર પંથકમાં જલ્દીથી સારો વરસાદ થાય તે માટે શક્તિપીઠ અંબાજી મંદિરની પવિત્ર હવન શાળામાં વિશેષ યજ્ઞનું આયોજન

અંબાજી :સામાન્ય રીતે આ સમયે લીલીછમ દેખાતી બનાસકાંઠાની ધરતી, નદીઓ અને જળાશયો હાલમાં સૂકાભઠ્ઠ ભાસી રહ્યા છે. પાણીના અભાવે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. જો કે, આશાવાદી ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈને પોતાની જમીનોને ખેડીને પોચી કરી રહ્યા છે, જેથી જેવા મેઘરાજા વરસે કે તુરંત વાવણી કાર્ય શરૂ કરી શકાય. માત્ર માણસો જ નહીં, પરંતુ મૂંગા પશુ-પંખીઓ પણ અસહ્ય ગરમી અને પાણીની તંગી વચ્ચે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.
વરસાદ ખેંચાતા અને પરિસ્થિતિ ગંભીર બનતી જોઈ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વેપારીઓ અને સ્થાનિક નાગરિકોએ આજે એક અનોખો નિર્ણય લીધો હતો. મેઘરાજા અને વરુણદેવને રીઝવવા માટે આજે અંબાજીના તમામ નાના-મોટા બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા હતા. સમગ્ર પંથકમાં જલ્દીથી સારો વરસાદ થાય તે માટે શક્તિપીઠ અંબાજી મંદિરની પવિત્ર હવન શાળામાં વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે પવિત્ર અગ્નિમાં આહુતિઓ આપીને મેઘરાજાને વહેલી તકે પધારવા અને ધરતીને તૃપ્ત કરવા માટે આકુળ હૃદયે પ્રાર્થના કરવામાં આવી હતી.
હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં એક લોકમાન્યતા છે કે જ્યારે પણ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય ત્યારે શિવાલયમાં શિવલિંગને પાણીમાં ડૂબાડી રાખવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને અતિવૃષ્ટિ કે સારો વરસાદ આપે છે. આ જ પરંપરાને અનુસરીને અંબાજી મંદિર પરિસરમાં આવેલા ઐતિહાસિક અંબિકેશ્વર મહાદેવ મંદિર તેમજ પવિત્ર માનસરોવર ખાતે આવેલા માનેશ્વર મહાદેવજીના મંદિરમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા બંને મંદિરોના શિવલિંગને પાણીમાં સંપૂર્ણપણે ડૂબાડીને (જળમગ્ન કરીને) મહાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાદેવજીને પુષ્પો અર્પણ કરી, વિશેષ કપૂર આરતી ઉતારી વરુણદેવ અને ભોળાનાથને શાંત કરવાના ભક્તિમય પ્રયાસો કરાયા હતા.
સ્થાનિકોની આકરી ભક્તિ અને પ્રાર્થનાની અસર હોય તેમ, હાલમાં અંબાજી અને આસપાસના વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે અને અસહ્ય બફારામાંથી થોડી રાહત મળી છે. જો કે, અગાઉ પણ વાદળો બંધાઈને વરસ્યા વિના વિખરાઈ ગયા હોવાથી લોકો હજુ પણ ચિંતામાં છે. હવે આ ઘેરાયેલા વાદળો માત્ર આકાશમાં શોભાના ગાંઠિયા બનીને ન રહેતા, અનરાધાર વરસીને ધરતીની તરસ છિપાવે તેવી આશા સાથે અંબાજીના લોકો ચાતક નજરે આકાશ ભણી જોઈ રહ્યા છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
