તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
રાજપીપળામાં દશેરાના બીજા દિવસે અગિયારસના દિવસે રાવણ દહન કરવાની અનોખી પરંપરા : ભવ્ય શોભાયાત્રા
ઉત્સાહ અને ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

રાજપીપળા: સમગ્ર દેશમાં સામાન્ય રીતે દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે, ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળામાં દશેરાના બીજા દિવસે એટલે કે અગિયારસના દિવસે રાવણ દહન કરવાની અનોખી પરંપરા જળવાઈ રહી છે. છેલ્લા 50 વર્ષથી ચાલી આવતી આ પરંપરા અંતર્ગત આ વર્ષે પણ રાજપીપળામાં રાવણની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પરંપરાગત ઉત્સાહ અને ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
સંસ્કાર યુવક મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાંથી દર વર્ષે રાવણના પૂતળાની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ત્યારબાદ તેનું દહન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, ભગવાન રામે દશેરાના દિવસે રાવણનો વધ કર્યો હતો, પરંતુ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર રાત્રિના સમયે અગ્નિદાહ આપી શકાય નહીં તેવી માન્યતાને કારણે રાજપીપળામાં બીજા દિવસે એટલે કે અગિયારસના દિવસે રાવણ દહન કરવામાં આવે છે. આ જ કારણસર અહીં વર્ષોથી આ અનોખી પરંપરા જાળવી રાખવામાં આવી છે.
આ વર્ષે પણ અગિયારસના દિવસે રાજપીપળામાં આશરે 20 ફૂટ ઊંચા રાવણના પૂતળાને આકર્ષક રીતે શણગારી ટ્રેક્ટરની ટ્રોલી પર સ્થાપિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઢોલ-નગારાં અને ઉત્સવના માહોલ વચ્ચે નગરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
નગરમાં ફરીને શોભાયાત્રા મોડી સાંજે કુંભારવાડા વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં આતશબાજી વચ્ચે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહનનો આ કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત થઈ હતી. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આમ, રાજપીપળામાં દશેરાના બીજા દિવસે રાવણ દહનની અનોખી પરંપરા આ વર્ષે પણ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
